ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષી ઉમેદવાર માર્ગરેટ અલ્વાએ ઉમેદવારી નોંધાવી
રાહુલ ગાંધી સહિત વિપક્ષના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા
આ અગાઉ એનડીએ ઉમેદવાર જગદીપ ધનખડે પણ ઉમેદવારી નોંધાવી ચુક્યા છે
રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન પુરુ થયા બાદ હવે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મંચ તૈયાર થઈ રહ્યો છે. વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માર્ગરેટ અલ્વાએ મંગળવારે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગે, શરદ પવાર અને અન્ય વિપક્ષી પાર્ટીના નેતાઓ હાજર રહ્યા હતા. 6 ઓગસ્ટે થનારી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઉમેદવારી ભરવાનો અંતિમ દિવસ 19 જૂલાઈ છે.
તેના એક દિવસ પહેલા સોમવારે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડેએ પીએમ મોદીની હાજરીમાં નોમિનેશન ફાઈલ કર્યું હતું. આ દરમિયાન ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ હાજર રહ્યા હતા. ધનખડને કેટલીય પાર્ટીઓએ સમર્થન જાહેર કર્યું છે. બીજેડી, AIADMK, જગન મોહન રેડ્ડીની પાર્ટી વાયએસઆર કોંગ્રેસના નેતા પણ કહી ચુક્યા છે કે તેઓ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ધનખડેને સાથ આપશે.
આ અગાઉ પૂર્વ રાજ્યપાલ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા માર્ગરેટ અલ્વાને 17 પાર્ટીઓના નેતાઓ તરફથી વિપક્ષના ઉમેદવાર બનાવાની જાહેરાત કરવામાં આવી હતી. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં સહભાગી રણનીતિ તૈયાર કરવા માટે સોમવારે કેટલીય વિપક્ષી પાર્ટીઓની બેઠક શરદ પવારના દિલ્હી સ્થિતિ નિવાસ સ્થાને થઈ હતી. અલ્વાએ એક ટ્વિટમાં કહ્યું હતું કે, તેમાં કોઈ શંકા નથી કે, આ મુશ્કેલ ચૂંટણી હશે, પણ મને કોઈ પડકારથી ડર નથી. હું તમામ વિપક્ષી પાર્ટીઓના નેતાઓનો દિલથી આભાર વ્યક્ત કરુ છું. જેમણે મારી ઉમેદવારીનું સમર્થન કર્યું છે.