લોકસભાની ચૂંટણીની સાથે આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રદેશ કોંગ્રેસમાં પરિવર્તનો શરૂ થઈ ગયા છે. આ ફેરફારોને કારણે ગિડુગુ રુદ્ર રાજુએ આંધ્ર પ્રદેશ કોંગ્રેસ કમિટી (APCC)ના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. આ પછી વાય.એસ. શર્મિલાની આ પદ પર નિયુક્તિનો રસ્તો સાફ થઈ ગયો છે. રાજુએ પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલી આપ્યું છે. તમને જણાવી દઈએ કે વાય.એસ. શર્મિલા કોંગ્રેસમાં જોડાયા બાદ એવું કહેવામાં આવી રહ્યું હતું કે પાર્ટી તેમને રાજ્યની જવાબદારી સોંપી શકે છે.
શર્મિલા 4 જાન્યુઆરીએ કોંગ્રેસમાં જોડાઈ હતી.
તમને જણાવી દઈએ કે શર્મિલા કોંગ્રેસમાં જોડાયા પછી જ રૂદ્ર રાજુએ તેમનું કોંગ્રેસમાં સ્વાગત કર્યું અને તેમના માટે રાજીનામું આપવાની ઓફર કરી. ઉલ્લેખનીય છે કે શર્મિલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીની બહેન છે. શર્મિલાએ 4 જાન્યુઆરીએ વાયએસઆર તેલંગાણા પાર્ટી (વાયએસઆરટીપી)નું કોંગ્રેસમાં વિલિનીકરણ કર્યું હતું. આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાય રાજશેખર રેડ્ડીની પુત્રી શર્મિલા મલ્લિકાર્જુન ખડગે અને ટોચના નેતા રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઈ હતી.
ચૂંટણીમાં કોંગ્રેસને સમર્થન આપ્યું
YSR તેલંગાણા પાર્ટીના સ્થાપક વાયએસ શર્મિલાએ તાજેતરમાં યોજાયેલી તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું હતું. તેમણે ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના કથિત ભ્રષ્ટ અને જનવિરોધી શાસનને ખતમ કરવા કોંગ્રેસને સમર્થન આપવાની વાત કરી હતી.