અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP)એ આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એન્ટ્રી કરીને ચૂંટણીને ખૂબ જ રસપ્રદ બનાવી છે. દિલ્હી અને પંજાબની જેમ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ મફત વીજળી-પાણી, શિક્ષણ અને સ્વાસ્થ્યને લગતા અનેક વચનો આપીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે AAPએ KHAM થિયરીની જેમ ‘ઓટીપી’ ફોર્મ્યુલા દ્વારા ગુજરાતમાં વોટબેંક મેળવવાનો પ્રયાસ કર્યો છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે શનિવારે એક ટીવી શોમાં ‘OTP’ ફોર્મ્યુલાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે કેવી રીતે તેમની પાર્ટી પોતાનો જનાધાર વધારી રહી છે. AAP નેતાએ કહ્યું હતું કે, OTPમાં O એટલે OBC છે, T એટલે ટ્રાઇબલ અને P એટલે પાટીદાર છે અને અમને દરેકનો ભરપૂર પ્રેમ અને સમર્થન મળી રહ્યું છે.
સીએમ કેજરીવાલે કહ્યું હતું કે, ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે અને અહીંના લોકો મોંઘવારી અને ભ્રષ્ટાચારથી પરેશાન છે. અમારી સરકાર બન્યા બાદ અમે લોકોને આ સમસ્યાઓમાંથી મુક્તિ અપાવીશું. દરેકને મફત વીજળી અને પાણી મળશે. દરેકને સારી સારવાર મળશે અને દરેકના બાળકોને સારું શિક્ષણ મળશે.
તેમણે દાવો કર્યો હતો કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ‘AAP’ની હારની ભવિષ્યવાણી કરતો સર્વે સાચો નથી, કારણે આ પ્રકારના સર્વેના માધ્યમથી કોઈપણ નવી પાર્ટીના પ્રદર્શનની ભવિષ્યવાણી કરી શકતા નથી.
વર્ષ 1985માં માધવસિંહ સોલંકીએ ખામ થિયરી અપનાવી ગુજરાતમાં 149 બેઠકો કબજે કરી હતી. જે આજ સુધીની સૌથી હાઈએસ્ટ બેઠકો છે. કોઈપણ પક્ષ આટલી બેઠકો કબજે નથી કરી શક્યું. માધવસિંહે રાજ્યમાં મહત્વની ગણાતી 4 જાતિઓ K-ક્ષત્રિય, A-આદિવાસી, H-દલિત અને M-મુસ્લિમને સાંકળીને ચૂંટણી જીતવાનો પ્રયોગ કર્યો હતો. જે ખૂબ જ સફળ રહ્યો હતો.
નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. 182 સીટોવાળી ગુજરાત વિધાનસભા માટે બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં 89 સીટો પર 01 ડિસેમ્બરે મતદાન થશે તથા 93 સીટો પર 05 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. જ્યારે મતગણતરી 08 ડિસેમ્બરના રોજ થશે.