કોંગ્રેસને મોટો ઝટકો! કપિલ સિબ્બલે કોંગ્રેસ છોડી
સિબ્બલે સપાના સમર્થનથી રાજ્યસભા માટે નોમિનેશન ફાઇલ કર્યું
સિબ્બલે કહ્યું- 16 મેથી જ છોડી છે પાર્ટી
કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પાર્ટી છોડી દીધી છે. બુધવારે તેમણે સમાજવાદી પાર્ટીના સમર્થનથી રાજ્યસભા માટે નોમિનેશન દાખલ કર્યું છે. સિબ્બલ કોંગ્રેસ હાઈકમાન્ડ પર ખાસ કરીને રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવી ચૂક્યા છે, એવામાં એમ માનવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસ તેમને કદાચ જ રાજ્યસભામાં મોકલશે.
નોમિનેશન પહેલાં સિબ્બલ સપાની ઓફિસે ગયા હતા અને અખિલેશની સાથે જ રાજ્યસભા ગયા હતા. નોમિનેશન દાખલ કર્યા પછી સિબ્બલે કહ્યું હતું કે તેઓ 16 મેના રોજ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી ચૂક્યા છે. સિબ્બલ હાલ UPમાંથી કોંગ્રેસ કોટામાંથી સાંસદ છે, જોકે આ વખતે યુપીમાં પાર્ટીની પાસે એટલા ધારાસભ્ય નથી, જેને પછીથી રાજ્યસભામાં મોકલી શકાય. સિબ્બલના ફ્યુચરને લઈને ક્યાસ કાઢવામાં આવી રહ્યો હતો, જોકે હવે સમાજવાદી પાર્ટીની ટિકિટ પર નોમિનેશન ફાઈલ કરીને તેમણે તમામ અટકળો પર વિરામ લગાવી દીધું છે.
રસપ્રદ વાત એ છે કે જ્યારે કોંગ્રેસમાં સિબ્બલની ટિકિટ પર સસ્પેન્સ યથાવત્ હતું, એ સમયે 3 મોટા વિપક્ષો તેમને પોતાના કોટાથી રાજ્યસભામાં મોકલવા માટે તૈયાર હતા. ઉત્તરપ્રદેશથી સપા, બિહારથી રાજદ અને ઝારખંડમાંથી ઝામુમો સિબ્બલને રાજ્યસભામાં મોકલવા માટે તૈયાર હતી. જોકે સિબ્બલે અખિલેશની સાથે જવાનું નક્કી કર્યું છે. સપા સાથે જોડાયેલાં સૂત્રોની વાત માનીએ તો કપિલ સિબ્બલને રાજ્યસભામાં મોકલીને અખિલેશે એક સાથે બે કામ કર્યા છે.
એક તો દિલ્હીમાં તેમને કપિલ સિબ્બલ જેવો મજબૂત ચહેરો મળી જશે અને બીજી વાત એ કે તે આઝમ ખાનને પણ સાધી શકશે. કપિલ સિબ્બલ 2004થી લઈને 2014 સુધી મનમોહન સિંહની સરકારમાં કેન્દ્રીય મંત્રી રહ્યા હતા. સિબ્બલ વીપી સિંહની સરકારમાં એડિશનલ સોલિસિટર જનરલ પણ રહી ચૂક્યા છે, જ્યારે 2016માં કોંગ્રેસે તેમને UPમાંથી રાજ્યસભામાં મોકલ્યા હતા. સોનિયા-રાહુલ ગાંધી પર ચાલી રહેલા નેશનલ હેરાલ્ડ કેસમાં પણ સિબ્બલ રજૂઆત કરે છે. નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલ સહિત 5 નેતા પર આરોપ છે કે હેરાલ્ડની સંપત્તિનો ગેરકાયદે ઉપયોગ કર્યો, જેમાં દિલ્હીનું હેરાલ્ડ હાઉસ અને અન્ય સંપત્તિઓ સામેલ છે. આ મામલામાં સોનિયા-રાહુલ જામીન પર છે.