વિધાનસભાની ચૂંટણીના હવે ગણતરીના મહિના બાકી રહ્યાં છે
સતત 40 વર્ષ કોંગ્રેસની સાથે રહેલા નેતાઓ પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યાં છે
કોંગ્રેસએ રાજ્યની 10 બેઠકો પર ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના હવે ગણતરીના મહિના બાકી રહ્યાં છે. ત્યારે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક તરફ ભાજપ દ્વારા મતદારોને રિઝવવા સરકાર એક પછી એક નિર્ણયો લઈ રહી છે. બીજી બાજુ આમ આદમી પાર્ટી દ્વારા જોરજોરથી પ્રચાર શરૂ કરી દેવાયો છે અને રાજ્યની 10 બેઠકો પર ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. ત્યારે કોંગ્રેસમાં કકળાટ વધી રહ્યો છે. સતત 40 વર્ષ કોંગ્રેસની સાથે રહેલા નેતાઓ પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યાં છે. હવે કોંગ્રેસે ચૂંટણી માટે તૈયારી શરૂ કરી છે. આમ આદમી પાર્ટીની જેમ કોંગ્રેસ પણ શહેરોમાં જે સીટ પર પરાજય થયો હોય ત્યાં ઉમેદવારોના નામ વહેલા જાહેર કરવાની રણનીતિ ઘડવામાં આવી છે.
કોંગ્રેસ સાથે સતત 40 વર્ષથી સંકળાયેલા નરેશ રાવલ અને રાજુ પરમારના રાજીનામા બાદ કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્માએ પત્રકારોને જણાવ્યું હતું કે, પાર્ટીએ ઘણું આપ્યું તે છતાં નેતાઓ કોંગ્રેસ છોડે તે યોગ્ય નથી. આજે કોંગ્રેસ તકલીફમાં છે ત્યારે જ નેતાઓ પક્ષને છોડીને જાય તે સારુ ના કહેવાય. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને સંબોધીને બંને નેતાઓએ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપતા હોવાની લેખિત જાણ કરી હતી.
અમદાવાદમાં કોંગ્રેસના કાર્યાલય ખાતે ગુજરાતના નિરીક્ષક ટી.એસ.સિંહ દેવ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મિલિંદ દેવરાની હાજરીમાં કોંગ્રેસના લોકસભાના પ્રભારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં શહેરી વિસ્તારોમાં કોંગ્રેસ સતત હારતી હોય તેવી બેઠકો પર ઝડપથી ઉમેદવારો જાહેર થાય તે વિશે ચર્ચા કરવામાં આવી હતી. ઉમેદવારોના નામ મુદ્દે બેઠકમાં કોઈ ચર્ચા થઈ નહતી. આ બેઠકમાં ગાયોના મોત, લઠ્ઠાકાંડ, મોંઘવારી સહિતના મુદ્દે આગામી દિવસોમાં આંદોલનના કાર્યક્રમો ઘડવા, ચાર ઝોનમાં યાત્રા પણ શરૂ કરવાની ચર્ચાઓ કરાવામાં આવી હતી
આ ઉપરાંત ચૂંટણી ઢંઢેરામાં શું હોવું જોઈએ તે માટે બે હજાર બેઠકોનું આયોજન કરવાનું નક્કી કરાયું છે. 125 બેઠકના ટાર્ગેટ સાથે બુથ પર ફોકસ કરવા તાકીદ કરાઈ છે. આગામી ચૂંટણીને લઈ કોંગ્રેસે 26 લોકસભા બેઠક દીઠ નીમેલા 37 નિરીક્ષકો, પ્રદેશના નેતાઓ, ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. જેમાં નિરીક્ષકોને તાલુકા, જિલ્લાના આગેવાનો સાથે બેઠકો યોજી સ્થાનિક સ્તરનો અહેવાલ આપવા તાકીદ કરાઈ હતી. પક્ષમાં અંદરો અંદરની ટાંટિયાખેંચથી પર રહી એકીસાથે ચૂંટણીના કામમાં લાગી જવા કાર્યકરોને તાકીદ કરાઈ છે. લોકસભાના ઈન્ચાર્જ સાત વિધાનસભા બેઠકો પર પ્રવાસ કરશે, દરેક બેઠકનો અલગ ઢંઢેરો હશે. ઉમેદવાર જાહેર થાય તે પછી કકળાટ થાય તો ડેમેજ કંટ્રોલની જવાબદારી ઓબ્ઝર્વરની રહેશે.
ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને લઇને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ગમે તે ઘડીએ કોંગ્રેસ ઘારાસભ્યના મુરતીયાની પ્રથમ યાદી જાહેર થઇ શકે છે. કોંગ્રેસની 58 ઉમેદવારોની યાદી તૈયાર થઈ ચૂકી છે.ઉમેદવારનું લિસ્ટ પણ હાઇકમાન્ડને મોકલી દેવામાં આવ્યું છે. મહત્વનું છે કે છેલ્લી 3 ટર્મથી હારતી બેઠકના ઉમેદવાર નક્કી કરી કોંગ્રેસ હારેલી સીટને કબજે કરવાની રણનીતિ બનાવી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. જો કોંગ્રેસ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરે તો પ્રથમ વાર બનશે કે વિધાનસભા ચૂંટણીમાં પ્રથમવાર કોંગ્રેસ આટલી જલ્દી લિસ્ટ જાહેર કરશે. નહીં તો આમ કોંગ્રેસ ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ જ ઉમેદવારોની જાહેરાત કરતું હોય છે. ત્યારે જોવાનું એ રહ્યું કે કોંગ્રેસ આ નવા દાવથી કાઠું કાઢી શકશે કે નહીં?