નાગાલેન્ડ વિધાનસભાની ચૂંટણીમાં એક ઈતિહાસ રચાયો છે. રાજ્યમાં પ્રથમ વખત કોઈ મહિલા ઉમેદવાર વિધાનસભાની ચૂંટણીમાં જીતી છે. હેકાણી જાખાલુ દીમાપુર ત્રીજી વિધાનસભાથી જીત્યા છે. હેકાણીને NDPP દ્વારા મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. તેમણે LJP (રામ વિલાસ) ના અજેતો જીમોમીને 1536 મતોથી હરાવ્યા.
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં માત્ર ચાર મહિલા ઉમેદવારોને ટિકિટ મળી છે. હેકાણી તેમાંના એક હતા. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પણ ચૂંટણી દરમિયાન હેકાની માટે પ્રચાર કરવા માટે મુખ્યમંત્રી નેફિયુ રિયો સાથે પહોંચ્યા હતા.
48 વર્ષના NDPP નેતા હેકાનીએ કાયદાનો અભ્યાસ કર્યો છે. તેણે યુનિવર્સિટી ઑફ સાન ફ્રાન્સિસ્કો સ્કૂલ ઑફ લૉમાંથી 2013માં કાયદાના માસ્ટર્સની ડિગ્રી મેળવી. હેકાણી પાસે 5.58 કરોડની સંપત્તિ છે. પોતાના ચૂંટણી એફિડેવિટમાં તેણે પોતાના પર 41.95 લાખ રૂપિયાથી વધુનું દેવું પણ જાહેર કર્યું છે.
હેકાણીના ચૂંટણી સોગંદનામા મુજબ હેકાણી અને તેમના પતિ અડધો ડઝન કારના માલિક છે. તેની કુલ કિંમત 1.32 કરોડથી વધુ હોવાનું કહેવાય છે. હેકાની પાસે ટોયોટા ઈનોવા કાર છે. એફિડેવિટમાં તેણે તેના પતિની માલિકીની પાંચ અલગ-અલગ કારની યાદી આપી છે.