ગુજરાતના રાજકારણને લઇને સૌથી મોટા સમાચાર
આગામી 2જી જૂને હાર્દિક પટેલ જોડાશે ભાજપમાં
C.R પાટીલની હાજરીમાં હાર્દિક પટેલ કરશે કેસરિયા
છેલ્લાં કેટલાંય સમયથી હાર્દિક પટેલને લઇને ગુજરાતના રાજકારણમાં ચાલતી અટકળોને હવે અંત આવશે. કારણ કે હાર્દિક પટેલનો ભાજપમાં પ્રવેશ હવે નક્કી થઇ ગયો છે. 2 જૂનના રોજ હાર્દિક પટેલ કમલમમાં CM ભૂપેન્દ્ર પટેલ અને C.R પાટીલની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કરશે.
તેઓ કઈ પાર્ટીમાં જોડાવવાના છે તે નક્કી થઈ જ ગયું છે અને તેમનો આગળનો આખો પ્લાન પણ તૈયાર જ છે, બસ યોગ્ય સમય આવે એટલે સંપૂર્ણ માહિતી સાથે કઈ પાર્ટીમાં શા માટે જોડાઈ રહ્યો છું તેની સંપૂર્ણ માહિતી સાથે જે તે પાર્ટીમાં જોડાઈશ. તેમણે વધુમાં કહ્યું હતું કે જનતાના કામમાં મોડું કરવાનું જ ન હોય, આ જ મહિનામાં હું તમામ એલાન કરી દઈશ.
હાર્દિક પટેલે ભાજપના મુદ્દાઓ પર નરમ વલણ દર્શાવ્યું હતું. રામ મંદિર અને કલમ 370નો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે જનતા આ મુદ્દાઓને પસંદ કરે છે અને ભાજપને જીતાડે છે એમાં સ્વીકાર કરવો રહ્યો. જનતાનો મૂડ આ જ છે અને જનતાનો મૂડ જે હશે તે તરફ જ હું નક્કી કરવાનો છું. હાર્દિકના આ નિવેદનથી સંકેત એ જ દેખાઈ રહ્યો છે કે આગામી સપ્તાહ સુધીમાં પાટીદાર નેતા કેસરિયો ધારણ કરી શકે છે.
નોંધનીય છે કે આજે હાર્દિક પટેલે ચૂંટણી લડવા મુદ્દે પણ ખુલાસો કર્યો છે કે હું એકમાત્ર એવો આંદોલનકારી છું કે જે ચૂંટણી લડી શક્યો નથી, પહેલા મારી ઉંમર નાની હતી અને તે બાદ મારા પર કેસ કરી દેવામાં આવ્યા હતા. હવે જ્યારે મોકો મળી રહ્યો છે ત્યારે હવે ચૂંટણી લડીશ અને જીતીશ. જોકે કઈ બેઠક પરથી હાર્દિક પટેલ ચૂંટણી લડશે તે મુદ્દે કોઈ ફોડ પાડ્યો નથી.
હાર્દિક પટેલે કહ્યું હતું કે મારે રાજકારણમાં બે મોટા પ્લાન છે, એક તો સરકારી નોકરી માટે જે પરીક્ષા લેવામાં આવે છે તેમાં પેપર ફૂટી જાય છે ત્યારે આ મુદ્દે કડક કાયદા બનાવવાની જરૂર છે અને આ સાથે ગુજરાતમાં કામ કરતી કંપનીઓને કડક આદેશ આપવામાં આવે કે ગુજરાતીઓને રોજગારમાં પ્રાથમિકતા આપવામાં આવે, કોલેજની અંદર પણ વિદ્યાર્થીઓને નોકરી આપવાની વ્યવસ્થા કરવામાં આવે.