ફરી એકવાર ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું છે
ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા પણ કરાઈ હતી
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પણ હાઈકમાન્ડની સામે હાજર રહી શકે છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 પહેલા કોંગ્રસ એક્શન મોડમાં આવી ચૂકી છે. થોડા દિવસ અગાઉ જ ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી હાઈકમાન્ડની મુલાકાત લીધી હતી. ત્યાં ફરી એકવાર ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું છે. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષ નેતા સુખરામ રાઠવા, પ્રભારી રઘુ શર્મા સહિતના સિનિયર આગેવાન નેતાઓ આવતીકાલે દિલ્હી જશે.
મહત્વનું છે કે, અગાઉ પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં ચૂંટણીલક્ષી અને ગુજરાત કોંગ્રેસના આયોજનો અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા પણ કરાઈ હતી. તમને જણાવી દઈએ કે સમગ્ર દેશમાં ધીરેધીરે કોંગ્રેસનું વર્ચસ્વ ખતમ થઈ રહ્યું છે, ત્યારે ગુજરાતમાં ગમે તેમ કરીને કોંગ્રેસ સત્તા મેળવવા માટે કોશિશ કરી રહ્યું છે. દિલ્હી હાઈકમાન્ડ ગુજરાતના નેતાઓને રાજ્યમાં છેલ્લા 27 વર્ષોથી શાસન કરી રહેલી ભાજપને સત્તામાંથી હટાવવા માટે ચૂંટણી માટે એકજૂટ થવાની તૈયારી કરવા કહેવાયું છે.
ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હીમાં હાઈકમાન્ડની સામે 14 તારીખે હાઇકમાન્ડ સમક્ષ રાજ્યની ચુટંણીની રણનિતિનું પ્રેઝન્ટેશન રજુ કરશે. જ્યારે 15 જુલાઇ એ ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમિતિ, મેનીફેસ્ટો સમિતિ, મેનેજમેન્ટ સમિતિ, પ્બ્લીસિટિ સમિતિ અને કેમ્પેઇન સમિતિની જાહેરાત થાય એવી શક્યતા છે.
હાઈકમાન્ડે તો ગુજરાત કોંગ્રેસના નેતાઓને એટલે સુધી કહી દેવામાં આવ્યું છે કે ગુજરાતમાં જે રણનીતિ ઘડવી હોય એમ ઘડો, પરંતુ અમારે તો પરિણામ જોઈએ છે. કોઇપણ ભોગે 2022ની ચૂંટણીમાં પરિણામ લાવવા સૂચના અપાઈ છે.
સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે કોંગ્રેસના સિનિયર નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે હાઈકમાન્ડની સામે હાજર રહી શકે છે. તમને જણાવી દઈએ કે અશોક ગહેલોતને આ વખતે ચૂંટણીમાં ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે.