નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે, ‘નીતિનભાઈની લોકપ્રિયતાને કેટલાક લોકો ઈર્ષાથી જોતા હતા. જેમ બાળકને નજર ન લાગે એ માટે માતાઓ કાળું ટપકું લગાવે છે એમ મને કોઈકે થોડું-થોડું કાળું ટપકું લગાવ્યું.’
વધુમાં નીતિન પટેલે કહ્યું કે, ‘એવો કોઈ વ્યક્તિ નથી કે જેને આ બધા તબક્કાથી પસાર ન થવું પડે. કેટલાક લોકોને લાગતું હશે કે નીતિનભાઈએ મુકેશભાઈને ચાર્જ સોંપ્યો. આ ચાર્જ હું પ્રેમથી આપું છું, વિશ્વાસ સાથે આપું છું. પાર્લામેન્ટ્રી બોર્ડમાં મને ઉમેદવાર અંગે પૂછ્યું હતું. ભાજપ પ્રમુખ CR પાટીલ અને રત્નાકરજીએ મને પૂછ્યું હતું. મને પૂછવામાં આવ્યું હતું કે મહેસાણામાં તમે કોને ઉમેદવાર બનાવવા ઈચ્છો છો? જ્યારે નિરીક્ષકો આવ્યા ત્યારે ઘણાએ થોડી-થોડી રજૂઆતો આપી હતી. કોઈને પણ ફોર્મ ન હોતું ભરવું પણ તોય લોકોએ ફોન કરીને કરીને બોલાવ્યા. નીતિનભાઈની લોકપ્રિયતાને કેટલાક લોકો ઈર્ષાથી જોતા હતા. મને અત્યાર સુધી પક્ષે જે કંઈ આપ્યું છે તે નાનું સુનું ન હતું. માટે હું પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું.’
તમને જણાવી દઇએ કે, આ વખતે મહેસાણા બેઠક આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બની છે, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જગ્યાએ ભાજપે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ પટેલને ટિકિટ આપી છે. આ સીટ પર એવુ માનવમાં આવે છે કે, 1960 પછી ચૂંટણી અને પેટા ચૂંટણી સહિત 14 વાર ચૂંટણી યોજાઈ છે જેમાં સૌથી વધુવાર વિજય ભાજપનો થયો છે.
છેલ્લા 32 વર્ષમાં આ સીટ ભાજપ જીતતી આવે છે. ભાજપ લગાતાર સાત વાર મહેસાણા બેઠક પરથી જીતી છે. તેના પહેલા સાત વાક ચૂંટણીમાં છવાર કોંગ્રેસ અને એક વાર સ્વતંત્ર પાર્ટી જીતી હતી. 2012 અને 2017માં આ બેઠક પર નીતિન પટેલ જીત્યા છે. ત્યારે બાદ નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી પણ બન્યા છે.
2017ની વિધાનસભાની ચૂંટણીમાં નીતિન પટેલે કોંગ્રેસના ઉમેદવાર જીવાભાઈ પટેલને સાત હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. જેમાં આ બેઠક પરથી 34 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા અને જેમાંથી 32 ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ હતી. જેમાં સૌથી વધુ નીતિન પટેલને 90 હજારથી વધુ જેટલા વોટ મળ્યા હતાં અને કોંગ્રેસના ઉમેદવાર જીવાભાઈ પટેલને 83,098 મત મળ્યા હતાં.
2012ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપના નીતિન પટેલ કડીથી જીતતા હતા. તેમણે કોંગ્રેસના નટવર લાલને 24 હજારથી વધુના માર્જીનથી હરાવ્યા હતા. જે ચૂંટણીમાં 14 ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને બાદ કરતાં બાકીના 12 ઉમેદવારોની ડિપોઝીટ પણ જપ્ત થઈ હતી. 2012ની વિધાનસભાની ચૂંટણી પહેલા નીતિન પટેલ મહેસાણા જિલ્લાની કડી બેઠક પરથી ચૂંટણી લડતા હતા.