ગુજરાત વિધાનસભા ચૂંટણીનો પ્રચારના બ્યૂગલ ફૂંકાયા
રાજકિય નેતાઓના ગુજરાત પ્રવાસમાં સતત વધારો
10મી એ રાહુલ ગાંધી, 11મી એ કેજરીવાલ ગજવશે સભા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ધમધમાટ શરૂ થઈ ગયો છે. દેશની મોટી પાર્ટીઓના દિગ્ગજ નેતાઑ સતત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. આવતા સપ્તાહમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, દિલ્હી સીએમ અને આપના સંયોજન અરવિંદ કેજરીવાલ તેમજ વડાપ્રધાન મોદીનો પણ સંભવિત પ્રવાસ યોજવાનો છે. આપને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ આ વખતે ગુજરાતના સૌરાષ્ટ્રનો પ્રવાસ કરશે. રાજકોટના શાસ્ત્રીમેદાનમાં 11 મેએ સાંજે 5 વાગ્યે કેજરીવાલની જાહેર સભા ગજવશે અને રાજકોટથી વિધાનસભા ચૂંટણીનો પ્રચાર બ્યૂગલ ફૂંકશે.કેજરીવાલની સભાને લઇને શાસ્ત્રીમેદાનમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મહત્વનું એ પણ છે કે અરવિંદ કેજરીવાલની હાજરીમાં કેટલાક નેતાઓ AAPમાં જોડાઈ શકે છે. કોંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે.
ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીના આગમનને પગલે કોંગ્રેસ દ્વારા આદિવાસી અધિકાર સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું છે. જે સત્યાગ્રહ આગામી વિધાનસભાની ચૂંટણી સુધી ચાલુ રહેશે. દાહોદ ખાતે આગામી 10મી મેના રોજ યોજાનાર છે. આદિવાસી અધિકાર સત્યાગ્રહનો પ્રારંભ કરાવશે. વધૂમાં સભાનું સંબોધન કરી કોંગી કાર્યકરોમાં જોમ-જુસ્સો ભરશે. તો આ તરફ ચાલુ માસમાં PM મોદી સૌરાષ્ટ્રની મુલાકાત કરી શકે તેવી સંભાવના છે. આવતા અઠવાડીયામાં PM મોદી રાજકોટમાં પાટીદાર ગ્લોબલ હોસ્પિટલનું લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે.રાજકોટ નજીક આટકોટના કાર્યક્રમમાં હાજર રહેવાના સંકેત છે કારણ કે કાર્યક્રમની વિગતો PMOએ કલેકટર પાસેથી માંગી છે. જો પાટીદાર ગ્લોબલ હોસ્પિટલ વિશે વાત કરીએ તો 40 કરોડના ખર્ચે 200 બેડની મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ નિર્માણ કરાયું છે. પાટીદાર સમાજ ટ્રસ્ટ તરફથી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. લોકાર્પણ PMના હસ્તે થાય તે માટે આમંત્રણ અપાયું છે.