દ્રૌપદી મુર્મૂએ NDA તરફથી ઉમેદવારી નોંધાવી
વડાપ્રધાન મોદી સહિત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા
ઓડિશા અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીએ દ્રૌપદી મુર્મૂને આપ્યું સમર્થન
એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ આજે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી. આ દરમિયાન પીએમ મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા. દ્રૌપદી મુર્મૂના નામાંકન સમયે પીએમ મોદી પ્રસ્તાવક અને રાજનાથ સિંહ અનુમોદક બન્યા. દ્રૌપદી મુર્મૂના નામાંકન સમયે એનડીએની એકજૂથતા ઊડીને આંખે વળગી. દ્રૌપદી મુર્મૂના નામાંકન દરમિયાન ભાજપના મોટાભાગના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા.
આ ઉપરાંત ભાજપ શાસિત પ્રદેશોના સીએમ પણ મુર્મૂના નામાંકન સમયે પહોંચ્યા. જેડીયુ, બીજેડીના નેતાઓ પણ સામેલ થયા. અત્રે જણાવવાનું કે 18મી જુલાઈએ રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાવવાની છે. એનડીએ દ્વારા દ્રૌપદી મુર્મૂને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે વિપક્ષ તરફથી યશવંત સિંન્હા મેદાનમાં છે. દ્રૌપદી મુર્મૂ ગુરુવારે પોતાના ગૃહ રાજ્ય ઓડિશાથી દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીમાં તેમણે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. NDA ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ ઉમેદવારી નોંધાવતા પહેલા સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીજી, ડો. બાબાસાહેબ આંબેડકર અને બિરસા મૂંડાની પ્રતિમા સમક્ષ પુષ્પ અર્પણ કર્યા.
એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને ઓડિશાના સીએમ નવીન પટનાયક અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ સમર્થન આપવાની જાહેરાત કરી છે. બીજી બાજુ એનડીએમાં ભાજપના સહયોગી નીતિશકુમારે પણ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર તરીકે સમર્થન કર્યું છે.
દ્રૌપદી મુર્મૂનો જન્મ ઓડિશાના આદિવાસી જિલ્લા મયુરભંજના રાયરંગપુર ગામમાં થયો હતો. તેઓ ઝારખંડના પહેલા મહિલા રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. તેઓ 18મી મે 2015થી 12મી જુલાઈ 2021 સુધી ઝારખંડના રાજ્યપાલ પદે કાર્યરત હતા. દ્રૌપદી મુર્મૂ ઓડિશાના પહેલા મહિલા અને આદિવાસી નેતા છે જેમને રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા હતા. મુર્મૂ 2013માં ભાજપના રાષ્ટ્રીય કાર્યકારિણીમાં એસટી મોર્ચના સભ્ય હતા. 10 એપ્રિલ 2015 સુધી તેમણે આ પદ સંભાળ્યું હતું. તેઓ 2013માં ઓડિશાના મયૂરભંજના જિલ્લા અધ્યક્ષ બન્યા હતા. 2010માં પણ જિલ્લા અધ્યક્ષ તરીકે વરણી થઈ હતી.