કોંગ્રેસ આજથી સમગ્ર દેશમાં ‘ભારત જોડો યાત્રા’ની શરૂઆત કરશે. જેમાં 150 દિવસમાં 3500 કિલોમીટર જેટલું અંતર ફરીને મોંઘવારી સહિત વિવિધ મુદ્દાઓની લોકો સાથે ચર્ચા કરશે. તેટલું જ નહીં, લોકોને એક થવા માટે પણ આહ્વાન કરશે. આ ભારત જોડો યાત્રામાં મુખ્ય 3 મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમાં આર્થિક સમાનતા, સામાજિક ભેદભાવ અને રાજકીય રીતે અતિશય કેન્દ્રિકરણ સામેલ છે.
થોડા દિવસ પહેલાં ગુજરાત આવેલા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રવક્તા દેવાશિષ જરારીયાએ જણાવ્યું હતું કે, ‘આજના સમયમાં આ પ્રવાસની ખૂબ જ જરૂર હતી. છેલ્લા 8 વર્ષમાં મોંઘવારી, બેરોજગારી, સામાજિક તણાવ અને ભાંગી પડેલી સંસ્થાઓને ભયાનક અનુભવ થઈ રહ્યો છે. ત્યારે ભારત જોડો યાત્રા 3 મુખ્ય સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પહેલું છે આર્થિક અસમાનતા, બીજું સામાજિક ભેદભાવ અને ત્રીજું રાજકીય રીતે અતિશય કેન્દ્રીકરણ. આ ત્રણ મુખ્ય સમસ્યાઓ સામે તમામ ભારતીયોને એક કરવા માટે આ યાત્રા કાઢવામાં આવી રહી છે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 4 સપ્ટેમ્બરે મોંઘવારી નિયંત્રણમાં સરકારની સંપૂર્ણ નિષ્ફળતા સામે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા દિલ્હીમાં ‘મોંઘવારી પ્રતિ હલ્લાબોલ’ ની રેલીનું આયોજન કર્યું હતું. રેલીમાં એવી માગ કરવામાં આવી હતી કે, સરકારે મોંઘવારી પર અંકુશ લગાવી દેશની જનતાને રાહત આપવા તાકીદે પગલા ભરવા જોઈએ.’ ત્યારે આ મામલે કોંગ્રેસે 7 સપ્ટેમ્બરથી ‘ભારત જોડો યાત્રા’નું આયોજન કરાયું છે.