ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનની તારીખોના કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયો છે. મોટા ભાગની બેઠકો પર ઉમેદવારોના નામ પણ જાહેર થઈ ગયા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે. ચૂંટણી પ્રચાર માટે ભાજપે 40 જેટલા સ્ટાર પ્રચારકો નિમ્યા છે. જો કે કોંગ્રેસ પણ પ્રચારમાં પાછી પાની કરવા માગતી નથી જેથી તેણે પણ વિધાનસભાની ચૂંટણી માટે સ્ટાર પ્રચાકોની યાદી જાહેર કરી છે.
વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે સ્ટાર પ્રચાકોની યાદી જાહેર કરી છે. જેમાં મલ્લિકાર્જૂન ખડગે, સોનિયા,રાહુલ ગાંધી સહિત 40 નેતાઓનો સમાવેશ થાય છે. પ્રિયંકા ગાંધી, દિગ્વિજયસિંહ, સચિન પાયલોટનો સ્ટાર પ્રચારકોમાં સ્થાન આપાયું છે. જે યાદીમાં ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓનું પણ નામ છે. ગુજરાતથી શક્તિસિંહ, જગદીશ ઠાકોર, મેવાણી, અનંત પટેલને સ્થાન અપાયું છે.
મહત્વનું છે કે, કોંગ્રેસે હજી સુધી પાલનપુર, દિયોદર, બહુચરાજી, બાયડ, વિરમગામ, ધંધુકા, પેટલાદ, ઠાસરા, કપડવંજ, બાલાસિનોર, કાંકરેજ, ઊંઝા, વિસનગર, મહેસાણા, ભિલોડા, પ્રાંતિજ, દહેગામ, ગાંધીનગર નોર્થ, સાણંદ, નારણપુરા, મણિનગર, અસારવા, ધોળકા, ખંભાત, માતર, મહેમદાબાદ, લુણાવાડા, સંતરામપુર, શેહરા, ગોધરા, કાલોલ, હાલોલ, દાહોદ, સાવલી, પાદરા અને કરજણ બેઠકો ઉપર નામ જાહેર નથી કર્યા.
36 પૈકી 10 બેઠકો એવી કે જ્યાં વર્તમાન ધારાસભ્ય છે છતાં પણ હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. જેમાં પાલનપુર મહેશ પટેલ, દિયોદર શિવાભાઈ ભુરીયા, બેચરાજી ભરતજી ઠાકોર, બાયડ જશુભાઇ પટેલ, વિરમગામ લાખાભાઇ ભરવાડ, ધંધુકા રાજેશભાઈ ગોહિલ, પેટલાદ નિરંજન પટેલ, ઠાસરા કાંતિભાઈ પરમાર, કપડવંજ કાળુભાઇ ડાભી અને બાલાસિનોરના અજિત ચૌહાણ વર્તમાન ધારાસભ્ય છે. આમ છતાં હવે આ 10 માં થી કોઈની ટિકિટ કપાય છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે.