ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. વિધાનસભા ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે. જેમાં કોંગ્રેસે ગતરોજ 46 ઉમેદવારોની બીજી યાદી પણ જાહેર કરી દીધી છે. એવામાં ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થયું છે. જગદીશ ઠાકોર અને જયંત બોસ્કી વચ્ચેની બેઠક સફળ સાબિત થઈ છે. આ અંગે જણાવતા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ સીટો પર અમે એનસીપી સાથે ગઠબંધન કર્યું છે.
જગદીશ ઠાકોરે જણાવ્યું કે, ઉમરેઠ, નરોડા અને દેવગઢ બારીયા આ ત્રણ સીટો પર અમારું ગઠબંધન છે. કોંગ્રેસ આ ત્રણેય બેઠકો પર NCPની સાથે મળીને ચૂંટણી લડશે.
આ ઉપરાંત એવા પણ સમાચાર સામે આવ્યા છે કે, કુતિયાણામાં NCP પોતાના ઉમેદવાર નહીં ઉભા રાખે. NCP કુતિયામામાં કાંધલ જાડેજાને મેન્ડેટ આપશે નહીં. જેથી કાંધલ જાડેજા અપક્ષ ચૂંટણી લડશે. આપને જણાવી દઈએ કે, કાંધલ જાડેજા છેલ્લી બે ટર્મથી કુતિયાણાથી NCPના ધારાસભ્ય છે. કુતિયાણામાં કોંગ્રેસ,ભાજપ અને કાંધલનો ત્રિપાંખિયો જંગ થશે.