ચૂંટણી પંચ તરફથી શિવસેનાનું નામ અને પ્રતીક મળ્યા બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મંગળવારે શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી છે. આ બેઠકમાં પાર્ટીના ધારાસભ્યો, સાંસદો અને અન્ય નેતાઓ હાજરી આપશે. મુખ્યમંત્રી શિંદેના નજીકના સહયોગીએ જણાવ્યું કે આ પાર્ટીની પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠક હશે, જેની અધ્યક્ષતા મુખ્યમંત્રી એકનાથ શિંદે કરશે. રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં શિવસેનાની નવી કાર્યકારિણીની રચના અંગે ચર્ચા થઈ શકે છે.
આ પહેલા સોમવારે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સંપત્તિ પર શિવસેનાના દાવા અંગે કહ્યું હતું કે ‘અમે બાળાસાહેબ ઠાકરેની વિચારધારાના ઉત્તરાધિકારી છીએ’. અમને કોઈ લોભ નથી. શિંદેએ કહ્યું કે તેમને શિવસેનાની સંપત્તિ અને ભંડોળનો કોઈ લોભ નથી. હું હંમેશા આપનાર વ્યક્તિ રહ્યો છું. ઉદ્ધવ ઠાકરે જૂથ પર આડકતરો પ્રહાર કરતાં શિંદેએ કહ્યું કે જેઓ સંપત્તિ અને પૈસાના લોભી હતા તેઓએ 2019માં ખોટો રસ્તો અપનાવ્યો હતો. ચૂંટણી પંચે શિવસેનાના નામ અને ચિહ્ન પર નિર્ણય કર્યો છે. નિયમો અનુસાર પાર્ટી ઓફિસ પણ શિવસેનાની છે. જ્યાં સુધી પ્રોપર્ટીની વાત છે તો અમને તેના માટે કોઈ લોભ નથી.