ગુજરાત કોંગ્રેસને લઇને સૌથી મોટા સમાચાર
હાર્દિકે અંતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું
હાર્દિક શું રાજકારણને બાય-બાય કરશે કે પછી હાર્દિક ભાજપ કે AAPમાં જોડાશે?
ગુજરાત કોંગ્રેસને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. છેલ્લાં કેટલાંય સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા હાર્દિકે અંતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં હાર્દિકને કોઇ જવાબદારી નહીં મળી હોવાના આક્ષેપ વચ્ચે હાર્દિકે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે હાર્દિક શું રાજકારણને બાય-બાય કરશે કે પછી હાર્દિક ભાજપ કે AAPમાં જોડાશે? તે હવે જોવાનું રહ્યું. હાર્દિકની કોંગ્રેસ પ્રત્યેની નારાજગીને લઇને રાજ્યમાં છેલ્લાં કેટલાંય દિવસથી રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે. આ મામલે ભાજપ-કોંગ્રેસ બંને પક્ષના નેતાઓના નિવેદનો પણ સતત સામે આવી રહ્યાં છે.
નોંધનીય છે કે, તાજેતરમાં જ હાર્દિકે કોંગ્રેસ પ્રત્યેની નારાજગી મામલે ખોડલધામ ખાતે યોજાયેલી બેઠકમાં નિવેદન આપ્યું હતું કે, ‘છું જ ને કોણ ના પાડે છે, અમે તો કામ માંગીએ છે, પદ થોડું માંગીએ છીએ. કાર્યકારી અધ્યક્ષ હોઉં તો જવાબદારી તો નક્કી હોવી જોઈએ કે નહીં.’હાર્દિકે કહ્યું હતું કે, ‘જ્યાં સુધી મુદ્દાનું નિરાકરણ ના આવે ત્યાં સુધી હું ઉદયપુરની (કોંગ્રેસ) બેઠકમાં જઇને શું કરું. અમે લોકોએ પાર્ટીને આપ્યું છે, પાર્ટી જોડેથી અમે લોકોએ આજ દિન સુધી કંઇ લીધુ નથી. 2015 હોય, 2017 હોય કે પછી એના પછીનો સમય હોય, અમે હંમેશા અમારા 100 ટકા આપ્યા છે. ગુજરાતની જનતાની અંદર જાગૃતિ લાવીને કોંગ્રેસ સાથે લોકોને જોડવાનું કામ કર્યું છે. નારાજગી કરતા પણ વધારે પાર્ટી ફોરમમાં સ્વતંત્રતાની રીતે સાચી વાત મૂકવી ખૂબ જરૂરી હોય છે.
‘એવામાં તમને જણાવી દઇએ કે, જ્યારે પણ કોઇ કાર્યકર્તા કે આગેવાન પોતાની પાર્ટી વિરૂદ્ધ કોઇ પણ જાતના વિવાદાસ્પદ નિવેદનો કે તીખી પ્રતિક્રિયા આપે ત્યારે પાર્ટીને તેને બરતરફ કરતી હોય છે. પરંતુ હાર્દિકને લઇને એવાં સમાચાર સામે આવ્યા હતાં કે, ‘કોંગ્રેસ હાર્દિક પટેલ વિરૂદ્ધ કોઇ પણ કાર્યવાહી નહીં કરે.’ હાર્દિક પટેલ સતત કોંગ્રેસ પક્ષને નુકસાન થાય એવાં નિવેદન આપી રહ્યાં છે તેમ છતાં સંભવિત નુકસાનને ધ્યાને લઇ હાર્દિક વિરૂદ્ધ કોંગ્રેસ કોઇ જ કાર્યવાહી નહીં કરે. કોંગ્રેસ હાર્દિકને સિમ્પથી મેળવવાનો મોકો નહીં આપે. પરંતુ હાર્દિક પટેલ ‘પાટીદાર કાર્ડ’ ન ચલાવે એટલા માટે કોંગ્રેસ હાર્દિક વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરે. જો કોંગ્રેસ પગલાં ભરે તો હાર્દિક પાટીદાર યુવાન સાથે અન્યાયનો રાગ આલાપી શકે છે.