ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા પટેલ પર નામ લીધા વિના ગંભીર આક્ષેપ
એમણે હંમેશા મારી મિલકતની જ ચિંતા કરી છે : ભરતસિંહ સોલંકી
મારી પાસે ઘણા પુરાવાઓ છે જેને હું કોર્ટમાં રજૂ કરીશ: ભરતસિંહ સોલંકી
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી થોડા દિવસ પહેલા એક યુવતી સાથેના વિડિયોને લઈ વિવાદમાં આવ્યા હતા, આ વિવાદબાદ આજે તેમણે એક પત્રકાર પરિષદ કરી છે. અત્યારે ભરતસિહ સોલંકીએ તેમની પત્ની પર આક્ષેપ કર્યા છે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે મારી પત્ની રેશમાને મારી મિલકતમાં રસ છે. તે દોરાધાગા કરાવીને હું ક્યારે મરીશ એવું પૂછે છે. મારી 30 વર્ષની રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મારા વિરોધીઓને આવા વિવાદોમાં જ રસ છે. મારે હજી ત્રીજા લગ્ન કરવાના છે. હું મારા છૂટાછેડાની રાહ જોઈ રહ્યો છું. આ સાથેજ તેમના રાજકીય કારકીદીને લઈ મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે, આજે મેં વિચાર કર્યો છે કે સક્રિય રાજકારણમાંથી મારે વિરામ લેવો છે. આ નિર્ણય મારો પોતાનો અંગત નિર્ણય છે.
વધુમાં તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે, ચૂંટણી નજીક આવતા જ આવા વિવાદો સામે આવે છે. હું રાજકીય રીતે 1992માં રાજકારણમાં આવ્યો હતો. આ સફર દરમિયાન મને નાનકડા કાર્યકરથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે સુધીની ઘણી જવાબદારી મળી છે. છેલ્લા 7 મહિનાથી ગુજરાતની રાજકીય પરિસ્થિતિ અને તેમાં વ્યક્તિગત રીતે વિવાદો મારી સામે ચાલ્યા છે. આ પરિસ્થિતિમાં રામ મંદિરની આખી વાત ના સમજાઈ. રામનું મંદિર બને અને ભરતને ના ગમે! હું વર્ષોથી કહેતો આવ્યો છું, 7 મહિનાનો જવાબ આપવાનો છે.
આ દેશ સ્ત્રી દાક્ષિણ્યનો છે. મને કોરોના થયો ત્યારે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને અહેમદ પટેલે મદદ કરી. મને વડોદરાથી અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં લઈ આવ્યા. મેં જેને છૂટાછેડા આપવા માટે અરજી કરી તેણે મારા પિતાને કહ્યું હતું કે હવે ભરત નહીં બચે. મને એ હોસ્પિટલમાં મળવા આવ્યા ત્યારે એક જ વાત કરતાં હતાં કે તમે મરી જશો તો મારું શું થશે. તેને મારા રૂપિયા ક્યાં છુપાયેલા છે એ શોધવામાં જ રસ હતો. મારે કોઈ બાળક નથી. મારું મૃત્યુ થાય તો મારી મિલકત તેમને જ મળવાની હતી, પણ તેમને ધીરજ નહોતી. તેણે દોરાધાગા કર્યા અને પૂછતી કે આ ક્યારે મરશે.
યુવતી સાથેના વિડીયો બાબતે ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે, મને દુઃખ થાય છે કે વ્યક્તિગત જીવનની જાહેરમાં ચર્ચા કરવી પડે છે. માટે જ મારે મીડિયાની સામે આવવું પડ્યું છે. હાલમાં આણંદના મકાનનો વીડિયો સામે આવ્યો હતો. ત્યાં હું આઈસક્રીમ ખાવા ગયો હતો. તે યુવતીનું ઘર હતું અને આ ટોળું ત્યાં આવી ગયું હતું. મને કોઈ સ્વીકારવા તૈયાર હશે તો મારું ત્રીજું લગ્ન પણ થશે. હું મારા છૂટાછેડાની રાહ જોઈ રહ્યો છું. મને વિચાર થાય કે કોઈની સાથે મારા લગ્ન થાય તો તેના પરિવારે નક્કી કરવાનું કે મારી સાથે લગ્ન કરવા દે કે નહીં.