ગુજરાતના રાજકારણને લઇને સૌથી મહત્વના સમાચાર
ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યોને દિલ્હીનું તેડું
મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યોને દિલ્હીનું તેડું
મહારાષ્ટનું રાજકારણ હચમચી ગયું છે. ગમે ત્યારે નાવીજુનીના સમાચાર આવી શકે તેવી સ્થિતિ વચ્ચે ગુજરાતના રાજકારણને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યોને તાત્કાલિક ધોરણે દિલ્હીનું તેડું આવ્યું છે. આજ સાંજે અથવા આવતી કાલે સવારે દિલ્હી પહોંચવા આદેશ અપાયા. કોંગ્રેસ હાઈકમાન્ડના અચાનક આદેશના પગલે ધારાસભ્યોમાં આશ્ચર્ય સર્જાયું છે. બે દિવસ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો દિલ્હીમાં રહેશે. મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે એકાએક કોંગ્રેસના ધારાસભ્યોને દિલ્હીનું તેડું આવતા ધારાસભ્યોમાં પણ નવાઇ સર્જાઇ છે. મહત્વનું છે કે, મહારાષ્ટ્ર સરકારના ઘણા નારાજ ધારાસભ્યો મંત્રી એકનાથ શિંદે સાથે ગુજરાત આવી ગયા છે. મહારાષ્ટ્રમાં જોરદાર ઉથલપાથલ મચી ગઈ છે, એક તો પહેલા રાજ્યસભા અને તે બાદ MLC ચૂંટણીમાં સરકારને જોરદાર ઝટકો લાગ્યો અને ભારતીય જનતા પાર્ટી ઓછા ધારાસભ્યો છતાં જીતી ગઈ. જે બાદથી જ સરકાર પર સંકટ છે તે વાત વહેતી થઈ હતી ત્યાં મંગળવારે સમાચાર આવ્યા કે અનેક ધારાસભ્યો સાથે શિવસેનાના દિગ્ગજ નેતા એકનાથ શિંદે સુરત આવી ગયા છે.
મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી મોટી તૈયારી કરી રહી હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મહારાષ્ટ્રના પૂર્વ CM અને હાલ રાજ્યના રાજકારણમાં સૌથી મોટા ‘ચાણક્ય’ દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી જવા માટે રવાના થઈ ગયા છે અને ભારતીય જનતા પાર્ટી અવિશ્વાસ પ્રસ્તાવ સરકાર સામે લાવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે જો અવિશ્વાસ પ્રસ્તાવ આવશે તો અનેક ધારાસભ્યો શિવસેના, NCP અને કોંગ્રેસના ધારાસભ્યો તૂટશે.
એકનાથ શિંદે સાથે કેટલાંક ધારાસભ્યો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. ત્યારે રાજકીય ઘટનાક્રમ વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ C.R પાટીલની સુરતમાં સૂચક હાજરી જોવા મળી રહી છે. મહત્વનું છે કે, C.R પાટીલે પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. તેઓ સવારે યોગ દિવસના કાર્યક્રમમાં પણ ગેરહાજર જોવા મળ્યા હતા. તમામને પહેલાં લક્ઝુરિયસ ફાર્મ હાઉસમાં રાખવાનું આયોજન હતું પરંતુ અંતિમ ઘડીએ તમામને હોટલમાં રાખવાનો નિર્ણય કરી તેમને હોટલમાં રોકવામાં આવ્યા છે. હોટલ પોલિટિક્સના કારણે હોટલથી 100 મીટર દૂરથી જ પોલીસે બેરિકેટિંગ કરી નો એન્ટ્રી કરી દીધી છે.