- વડોદરા કોંગ્રેસમાં જૂથવાદ આવ્યો સામે
- ભાવિક અમીન અને મૌલિન વૈષ્ણવ વચ્ચે સર્જાયો વિવાદ
- નેતાઓની જૂથબંધીનો વિવાદ સોશિયલ મીડિયા પર પહોચ્યો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી વર્ષના અંત સુધીમાં યોજાનાર છે. ત્યારે ગુજરાતની સત્તામાં વર્ષોથી દૂર રહેલી કોંગ્રેસ પાર્ટીમાં વારેવારે જૂથબંધીના સમાચારો સામે આવતા રહે છે. ત્યારે ફરી વડોદરામાં જૂથબંધીનો મામલો સામે આવ્યો છે. કોંગ્રેસ નેતા ભાવિક અમીને ફેસબુક પર એક સાથે ત્રણ પોસ્ટ કરીને ધડાકો કર્યો છે. વડોદરામાં કોંગ્રેસના બે નેતાઓ વચ્ચે જૂથબંધીનો વિવાદ સોશિયલ મીડિયા પર પહોંચી ગયો છે. ભાવિક અમીને ફેસબુક પર પોસ્ટ કરીને મૌલિન વૈષ્ણવ પર ગંભીર આરોપ લગાવ્યા છે. અમીને ફેસબુક પર આરોપ લગાવ્યો કે, વડોદરામાં જ્યાં સુધી મૌલિન વૈષ્ણવ છે, ત્યાં સુધી ભાજપની સત્તા રહેવાની છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓથી લઈને રાજ્યની સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ જૂથબંધીને લઈને અનેકવાર નુકસાન ભોગવી ચુકી છે. ત્યારે વડોદરામાં ફરી કોંગ્રેસના નેતાઓ વચ્ચે શરૂ થયેલી જૂથબંધી લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની છે. ભાવિક અમીને પોતાની પોસ્ટમાં કહ્યું કે, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખમાં મારા વ્યક્તિને બેસાડવાની ગોઠવણ થઈ છે. તેણે કહ્યું કે, કોંગ્રેસમાં અનેક રાજીનામા પડી શકે છે. આ સાથે અમીને ફેસબુક પોસ્ટમાં સવાલ કર્યો કે શું આગામી સમયમાં વડોદરા વિપક્ષ મુક્ત બનશે? આ વર્ષે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ પહેલાં જૂથબંધીની ઘટનાઓથી કોંગ્રેસ પાર્ટીને નુકસાન થઈ શકે છે.