કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ આજે 100 દિવસ પૂર્ણ કરી રહી છે અને આ પ્રસંગે જયપુરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ‘ભારત જોડો કોન્સર્ટ’નું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાનું નેતૃત્વ કરી રહેલા રાહુલ ગાંધી અહીં પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. રાહુલ ગાંધી બપોરે દૌસામાં પત્રકાર પરિષદને સંબોધશે. રાહુલની સાથે હિમાચલ પ્રદેશના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ અને ત્યાંના કોંગ્રેસના ધારાસભ્યો પણ હશે.
સાંજે, કોંગ્રેસ પાર્ટી જયપુરમાં એક સંગીત કાર્યક્રમનું આયોજન કરશે, જેમાં બોલિવૂડ ગાયિકા સુનિધિ ચૌહાણ પરફોર્મ કરશે. જેમાં રાહુલ ગાંધી, મુખ્યમંત્રી અશોક ગેહલોત અને અન્ય નેતાઓ પણ હાજર રહેશે. જણાવી દઈએ કે આ યાત્રા 7 સપ્ટેમ્બરના રોજ કન્યાકુમારીથી શરૂ થઈ હતી અને હાલમાં રાજસ્થાનમાંથી પસાર થઈ રહી છે. 150 દિવસમાં 3570 કિમીનું અંતર કાપીને આ યાત્રા શ્રીનગરમાં સમાપ્ત થશે. રાહુલ ગાંધીએ આજે દૌસાથી તેમની 100મા દિવસની યાત્રાની શરૂઆત કરી હતી.
કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું કે 19 ડિસેમ્બરે અલવરમાં એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવશે. પૂર્વ કેન્દ્રીય મંત્રી નમોનારાયણ મીણાએ કહ્યું, ‘યાત્રાને જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે. યુવાનો, ખેડૂતો અને અન્ય લોકો રાહુલ ગાંધી તેમની સાથે ન્યાય કરે તેવી અપેક્ષા રાખે છે. તેમણે કહ્યું કે આ યાત્રાનો ઉદ્દેશ્ય શાંતિ, પ્રેમ અને ભાઈચારાનો સંદેશ ફેલાવવાનો અને સામાન્ય લોકોની સમસ્યાઓને ઉઠાવવાનો છે. સૌ કોઈ આશાભરી નજરે રાહુલ ગાંધી તરફ જોઈ રહ્યા છે.