રાતોરાત બકરી થઈ ગઈ ફેમસ
કારણ છે આશ્ચર્ય જનક
લોકો બકરીનો વિડિયો સોશિયલ મીડિયામાં કરી રહ્યા વાઇરલ
દુનિયાભરમાં હજારો પ્રકારના જીવ જંતુઓ અને પ્રાણીઓ છે. દરેક જીવોની શરીરની રચના એકબીજાથી જુદી હોય છે પણ કેટલાક જીવો તેમની અનોખી શરીરની બનાવટને લઈને ચર્ચામાં રહેતા હોય છે. થોડા સમય પહેલા નાના કદની ગાયનો વીડિયો વાયરલ થયો હતો જેણે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
પરંતુ હવે સોશિયલ મીડિયા પર એક અનોખી બકરી રાતોરાત સેલિબ્રિટી બની ગઈ છે. પાકિસ્તાનની બકરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે તેના કાનને લઈને ચર્ચામાં છે.વીડિયોમાં તમે આ અનોખી બકરીને જોઈ શકો છો. દેખાવમાં તો આ બકરીનું બચ્ચું સામાન્ય બકરી જેવું જ છે પણ તેના કાન એટલા લાંબા છે કે જ્યારે તે ચાલે છે ત્યારે તેના કાન જમીનને સ્પર્શી જાય છે. આ બકરીના કાન તેની ઊંચાઈ કરતા પણ વધુ છે. જેને કારણે તે ટ્રેન્ડિંગ સમાચારમાં આવી છે.
સામાન્ય રીતે બકરીના કાન 4 થી 5 ઈંચના હોય છે પણ આ બકરીના કાન 19 ઈંચ છે. આ લાંબા કાનવાળી બકરી પાકિસ્તાનના કરાંચીમાં જન્મી છે. બકરીનું નામ સિમ્બા રાખવામાં આવ્યું છે. આ બકરી તેના કાનને લઈને લોકલ સ્ટાર બની ગઈ છે. અને સોશિયલ મીડિયામાં વીડિયો મૂકાતા સોશિયલ સ્ટાર બની છે.
આ બકરીના કાનને જોઈને ઘણા લોકોને આશ્રર્ય થઈ રહ્યું છે અને મનમાં સવાલ થઈ રહ્યો છે કે આખરે આ બકરીના કાન આટલા લાંબા કેમ છે? શું આ કોઈ ખાસ પ્રજાતિની બકરી છે?આખરે લાંબા કાન ધરાવતી આ બકરી વિશે નિષ્ણાતોનું શું કહેવું છે તે પણ જાણી લઈએ. પશુ ચિકિત્સક ડૉ.જે.જી પરમારે જણાવ્યુ કે, ન્યૂબિયન પ્રજાતિની બકરીના દૂધની ગુણવત્તા સામાન્ય બકરીઓ કરતા સારી હોય છે. આ પ્રકારની બકરીઓ ગરમ વાતાવરણમાં પણ રહી શકે છે.