દુનિયામાં દરરોજ લોકો પોતાના નામે નવો રેકોર્ડ નોંધાવવાના પ્રયાસમાં વ્યસ્ત છે. આ માટે તેઓ કોઈપણ હદ સુધી જાય છે અને વર્ષો સુધી મહેનત પણ કરે છે. આવું જ કંઈક અમેરિકામાં પણ જોવા મળ્યું છે, જેમાં એક વ્યક્તિએ વિશ્વના સૌથી તીખા મરચાનો રેકોર્ડ તોડ્યો છે. ઘણા વર્ષોની મહેનત પછી, આ વ્યક્તિએ મરચા ઉગાડ્યા છે જે વિશ્વમાં સૌથી તીખા છે. આ મરચાનું નામ Pepper X (પેપર એક્સ) છે, જેને હવે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
નવો વિશ્વ રેકોર્ડ
વાસ્તવમાં, મરચાની તીખાશને માપવા માટે સ્કોવિલ હીટ યુનિટ્સ (SHU) નો સ્કેલ છે. Pepper Xની તીખાશ 26.93 લાખ સ્કોવિલ હીટ યુનિટ છે. જે આજ સુધી એકપણ મરચામાં જોવા મળી નથી. આ જ કારણ છે કે હવે Pepper Xનું નામ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગયું છે. Pepper X કેપ્સિકમ જેવા લાગે છે, પરંતુ ઘણા નાના છે.
કોણે ઉગાડ્યા આ મરચા
અમેરિકાની પકરબટ પેપર (Pepper) કંપનીના માલિક અને સ્થાપક એડ કરીએ આ મરચા ઉગાડવાનું કામ કર્યું છે. તેણે સૌથી તીખા મરચા ઉગાડ્યા હોવાનો દાવો કર્યો હતો, ત્યારબાદ તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટેસ્ટમાં જાણવા મળ્યું છે કે Pepper X એ વિશ્વમાં અત્યાર સુધીનું સૌથી તીખું મરચું છે. આનાથી વધુ તીખું મરચું આ પહેલાં વિશ્વમાં ક્યાંય ઉત્પન્ન થયું નથી. મરચા ઉત્પાદક એડ કરી છેલ્લા 10 વર્ષથી આ પર કામ કરી રહ્યા હતા.
ક્રોસ બ્રીડીંગ
વિશ્વના સૌથી તીખા મરચાનો રેકોર્ડ તોડવા માટે, એડ કરીએ ઘણાં વર્ષો અલગ-અલગ મરચાના સંવર્ધનમાં વિતાવ્યા, જે પછી તેણે અંતે સફળતા હાંસલ કરી. જે મરચાનું ક્રોસ બ્રીડીંગ કરવામાં આવ્યું તે પણ વિશ્વના સૌથી તીખા મરચામાં સામેલ હતા.
જો કે એડ કરીએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા પણ તેણે મરચા ઉગાડ્યા હતા જેને વિશ્વના સૌથી તીખા મરચાનો ખિતાબ મળ્યો હતો. આ મરચાનું નામ કેરોલિના રીપર છે. જેની તીખાશ 16.41 લાખ સ્કોવિલ હીટ યુનિટ છે.