રવિવાર (Sunday) દરેકનો પ્રિય દિવસ છે એમ કહેવામાં આવે તો ખોટું નહીં હોય. કારણ કે આ દિવસે શાળાઓ, કોલેજો અને ઓફિસો તમામ બંધ રહે છે. આ ઉપરાંત અન્ય ઘણી સરકારી અને ખાનગી સંસ્થાઓમાં પણ આ દિવસે રજા હોય છે. આખું અઠવાડિયું કામ કર્યા પછી આખરે રવિવાર (Sunday) ના દિવસે માત્ર કામમાંથી રાહત જ નથી મળતી પણ દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ આ દિવસ જીવી શકે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે રજા ફક્ત રવિવારે જ કેમ આપવામાં આવે છે અન્ય કોઈ દિવસે કેમ નહીં? રવિવાર (Sunday) ના રોજ રજા આપવાની શરૂઆત ક્યારે થઈ? જો નહીં તો આજે અમે તમને તેના વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ.
આ વર્ષમાં જાહેર કરાઈ રવિવારની રજા
વાસ્તવમાં, મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવે છે કે આઝાદી પહેલા, જ્યારે બ્રિટિશ સરકાર સત્તામાં હતી, ત્યારે બ્રિટિશ અધિકારીઓ અને અન્ય લોકો બાકીના દિવસ કામ કર્યા પછી રવિવારે ચર્ચમાં જતા હતા. બીજી બાજુ મજૂરોને અઠવાડિયાના સાતેય દિવસ મિલમાં કામ કરવું પડતું હતું. તેને કોઈ દિવસ રજા આપવામાં આવતી ન હતી. તત્કાલિન મજૂર નેતા નારાયણ મેઘાજી લોખંડેએ કામદારોની દુર્દશા સમજીને બ્રિટિશ સરકારને રવિવારે રજાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યું કે અઠવાડિયામાં છ દિવસ કામ કર્યા પછી દરેકને એક દિવસની રજા મળવી જોઈએ. જો કે, શરૂઆતમાં બ્રિટિશ સરકાર આ માટે સંમત ન હતી, પરંતુ મજૂર નેતા નારાયણ મેઘાજી લોખંડેની 7 વર્ષની લાંબી લડત પછી આખરે બ્રિટિશ સરકાર સંમત થઈ હતી. આ પછી, આખરે 10 જૂન, 1890 ના રોજ, બ્રિટિશ સરકારે રવિવાર (Sunday) ને રજાનો દિવસ જાહેર કર્યો.