સોશિયલ મીડિયાના દોરમાં તમે કઈ ક્રિએટિવ કરો છો તો તમારા ફેમસ થવાના ચાન્સ વધી જાય છે. કેટલીક વાર તો ફેમસ થવાના ચક્કરમાં લોકો એવું કરી બેસે છે કે, સાંભળીને તમારું માથું ચકરાવે ચડી જાય. ખાસ કરીને જ્યારથી જમાનો ડિજિટલ થયો છે ત્યારથી લોકો રેસ્ટોરન્ટમાં મેન્યૂથી લઈને પેમેન્ટ સુધી QR કોડનો ઉપયોગ કરતા થયા છે. જો કે, એક યુવકે આ વસ્તુનો ઉપયોગ જે રીતે કર્યો છે, તે કદાચ જ બીજું કોઈ વિચારી પણ ન શકે.
સારી નોકરી મળવી એ કિસ્મતની વાત છે. જો કે, કેટલાક લોકો પોતાની ક્રિએટિવિટીને લઈને આ મોકો વહેલી તકે હાંસલ કરે છે. આજે અમે તમને એક એવા છોકરાની કહાની જણાવીશું, જેણે નોકરી મેળવવા માટે અનોખો રસ્તો અપનાવ્યો. દિલચસ્પ વાત એ છે કે, તેનો આ આઇડિયો કામ પણ કરી ગયો.
નોકરી ન મળવાથી પરેશાન હતો યુવક
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ અનુસાર, સૉન્ગ જિયાલે નામના 21 વર્ષનો યુવક નોકરી ન મળવાથી પરેશાન હતો. તેણે વુહાન યુનિવર્સિટીના School of Geomaticsથી ગ્રેજ્યુએશન કર્યું હતું, જે બાદ તેને સારી જગ્યાએ ઇન્ટર્નશિપ જોબ જોઈતી હતી. તેણે ઘણી વખત અરજી કરી પરંતુ તે રિજેક્ટ થઈ ગઈ. એવામાં તેને એક આઈડિયા આવ્યો. તે પોતાના શહેરમાં કામના પ્રચાર કરવા માટે સ્થળે-સ્થળે ફરતો રહ્યો. તેવામાં પોતાની જાતને પ્રમોટ કરવા માટે તેણે સફેદ ટી-શર્ટ પર પોતાનો બાયોડેટા અને QR કોડ પ્રિન્ટ કરાવ્યો.
છોકરો પોતાનો બાયોડેટા પહેરીને નીકળી પડ્યો
છોકરાએ તેનું સીવી ટી-શર્ટ પર પ્રિન્ટ કરાવ્યું અને તેને પહેરવાનું શરૂ કર્યું. તેવામાં તે એક વૉકિંગ પોસ્ટર બની ગયો જેથી કોઈ તેનો CV જોઈને તેને નોકરી આપી શકે. ટી-શર્ટના આગળના ભાગમાં લખેલું હતું – ‘હું 2024ના ક્લાસમાંથી છું અને નોકરી શોધી રહ્યો છું, મહેરબાની કરીને પાછળ જુઓ’. આ સાથે એક QR કોડ પણ હતો, જેને સ્કેન કરતાની સાથે જ સંપર્ક કરી શકાય છે. આ છોકરો ધીરે ધીરે સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને તેને જોબની ઘણી ઑફર મળવા લાગી. આખરે તે રનિ એપરલ ઇન્ડસ્ટ્રીમાં નોકરીમાં જોડાયો. સોશિયલ મીડિયા પર લોકો તેના આઇડિયા અને ક્રિએટિવિટીના જોરદાર વખાણ કરી રહ્યા છે.