અમેરિકામાં ગ્રીન બેંક સિટી નામનું શહેર વસેલું છે
શહેરમાં ઇલેક્ટ્રિક વસ્તુઓ પર પ્રતિબંધ
શહેરમાં છે વિશ્વનું સૌથી મોટું સ્ટીયરેબલ રેડિયો ટેલિસ્કોપ
દુનિયાભરમાં નવી ટેકનોલોજી વિકસી રહી છે. આજનો સમય ડિજિટલ થઈ ગયો છે. દરેક વ્યક્તિના હાથમાં સ્માર્ટફોન આવી જાય છે. સાથે જ ઘરોમાં અદ્યતન ટેકનોલોજી ધરાવતી વસ્તુઓ પણ છે. પરંતુ આવા સમયે પણ એક એવું શહેર છે જ્યાં કોઇ ઇલેક્ટ્રિક સામાનનો ઉપયોગ કરી શકતું નથી. આ શહેરના લોકો માટે મોબાઈલથી લઈને ટીવી અને રેડિયો સુધીની દરેક વસ્તુ પર પ્રતિબંધ છે. આ વસ્તુઓનો કોઈ ઉપયોગ કરી શકતું નથી અને જો કોઈ આવું કરતું જોવા મળે છે, તો તેની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવાઈ છે.
તમને જણાવી દઈએ કે આ શહેર અમેરિકાના પશ્ચિમ વર્જીનિયામાં પોકાહોન્ટ્સ કાઉન્ટીમાં છે. તેનું નામ ગ્રીન બેંક સિટી છે. આ શહેરમાં લગભગ 150 લોકો રહે છે. સમગ્ર શહેરમાં કોઈ પણ વ્યક્તિ મોબાઇલ, ટીવી કે રેડિયો જેવા ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ કરતું નથી.
એક અહેવાલ અનુસાર, આ શહેરમાં વિશ્વનું સૌથી મોટું સ્ટીયરેબલ રેડિયો ટેલિસ્કોપ આવેલું છે. તેને ગ્રીન બેંક ટેલિસ્કોપ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ટેલિસ્કોપ એટલું મોટું છે કે તેની એક ડિશમાં ફૂટબોલના મોટા મેદાનને સમાવી શકાય છે. તેની લંબાઈ 485 ફૂટ છે, જ્યારે તેનું વજન 7600 મેટ્રિક ટન છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ ટેલિસ્કોપને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય છે.
આ સ્ટીયરેબલ રેડિયો ટેલિસ્કોપમાં અમેરિકાની રાષ્ટ્રીય રેડિયો એસ્ટ્રોનોમી વેધશાળા છે. તેની સ્થાપના 1958માં થઈ હતી. અહીંથી વૈજ્ઞાનિકો અવકાશમાંથી પૃથ્વી પર આવતા તરંગોનો અભ્યાસ કરે છે. આ ટેલિસ્કોપ એટલું મોટું છે કે તે અંતરિક્ષમાં 13 અબજ પ્રકાશ વર્ષ દૂરના સિગ્નલને પણ પકડી લે છે. તેથી આ વિસ્તારમાં ટીવી, રેડિયો, મોબાઇલ જેવા તમામ ઇલેક્ટ્રિક ઉપકરણો પર પ્રતિબંધ છે. કારણ કે તેમાંથી નીકળતા તરંગોની અસર અવકાશમાંથી આવતા તરંગો પર પડી શકે છે.