ભારતમાં 400થી વધુ નદીઓ વહે છે
લૂણી નદી અજમેર જિલ્લાના 772 મીટરની ઊંચાઈએ આવેલી નાગ ટેકરીઓમાંથી નીકળે
495 કિમી લાંબી એકમાત્ર મોટી નદી છે
આપણા શાસ્ત્રોમાં નદીઓને માતાનું સ્થાન આપવામા આવ્યુ છે.જોવા જઈએ તો ભારતમાં 400થી વધુ નદીઓ વહે છે. જેમાં નાની-મોટી નદીઓનો સમાવેશ થાય છે. આ નદીઓ દેશના ધર્મ અને સંસ્કૃતિ સહિત અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન ધરાવે છે.આપણા દેશમાં એક એવી નદી છે, જે ફક્ત પર્વતોમાંથી જ નીકળે છે, પરંતુ તે કોઈપણ સમુદ્રમાં જોવા મળતી નથી.અહીં વાત થઇ રહી છે રાજસ્થાનની જીવાદોરી લૂણી નદીની. લૂણી નદી રાજસ્થાનના અજમેર જિલ્લામાં 772 મીટરની ઊંચાઈએ આવેલી નાગ ટેકરીઓમાંથી નીકળે છે. આ નદી અજમેરથી નીકળ્યા પછી, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન નાગૌર, જોધપુર, પાલી, બાડમેર, જાલોર જિલ્લામાંથી વહેતી ગુજરાતના કચ્છ જિલ્લામાં પ્રવેશે છે અને કચ્છના રણમાં લુપ્ત થઈ જાય છે. રાજસ્થાનના જાલોર જિલ્લામાં, લુની નદીના નીચાણવાળા વિસ્તારને નેડા અથવા રેલ કહેવામાં આવે છે. લૂણીના વહેણ વિસ્તારને ગોડવાર પ્રદેશ કહેવામાં આવે છે. મહાકવિ કાલિદાસે લુણી નદીને સલીલા નદી કહી હતી. અજમેરની પુષ્કર ખીણમાં લૂણી નદીને સાકરી નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની મુખ્ય ઉપનદીઓ જોવાઈ, સુકરી અને જોજરી છે.
ઉદયપુર રાજસ્થાનમાં સૌથી વધુ નદીઓ ધરાવતો જિલ્લો છે. બિકાનેર અને ચુરુ જ એવા બે જિલ્લા છે, જેમાં એક પણ નદી વહેતી નથી.આ 495 કિમી લાંબી નદી તેના વિસ્તારની એકમાત્ર મોટી નદી છે. જે મોટા ભાગને સિંચાઈ કરીને ગુજરાત સુધી પહોંચે છે. રાજસ્થાનમાં આ નદીની કુલ લંબાઈ 330 કિમી છે, જ્યારે બાકીની નદી ગુજરાતમાં વહે છે.લૂણી નદીની એક ખાસ વાત છે. અજમેરથી બાડમેર સુધી આ નદીનું પાણી મીઠું છે. જ્યારે તેની પાર જતા જ તેનું પાણી ખારું થઈ જાય છે. તેનું કારણ એ છે કે જ્યારે તે રાજસ્થાનના રણમાંથી પસાર થાય છે, ત્યારે તેમાં રહેલા મીઠાંના કણો તેની સાથે ભળી જાય છે, પછી પાણી ખારું થઈ જાય છે.આ નદીના સુંદર અને કુદરતી નજારા જોવાનો શ્રેષ્ઠ સમય ચોમાસાની ઋતુમાં છે. આ ઉપરાંત દર વર્ષે માર્ચ મહિનામાં અહીં થાર ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવે છે. આ ત્રણ દિવસીય થાર ફેસ્ટિવલનું આયોજન રાજસ્થાનના સરહદી જિલ્લા બાડમેરની કલા, સંસ્કૃતિ અને પર્યટનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં દેશી-વિદેશી પ્રવાસીઓની ભીડ જામે છે.