હવામાં વિમાનની બારી તૂટી
ફ્લાઈટને જયપુર ડાયવર્ટ કરાઈ
ફ્લાઈટ દિલ્હીથી ગુવાહાટી જઈ રહી હતી
દેશમાં ફ્લાઈટ ખરાબીની ઘટનાઓ વધતી જાય છે. ઈન્ડીગો, જેટ એરવેઝ, એર ઈન્ડીયા જેવી કેટલીક ફ્લાઈટમાં ખરાબી બાદ હવે ગો-એરની ફ્લાઈટમાં પણ ફોલ્ટની એક ઘટના બની છે.
દિલ્હીથી ગુવાહાટી જતી ફ્લાઇટની વિન્ડશિલ્ડમાં હવામાં તિરાડ પડી ગઈ હતી. ત્યારબાદ વિમાનને જયપુર ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. ડીજીસીએના એક અધિકારીએ આ જાણકારી આપી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ગો ફર્સ્ટ ફ્લાઇટ જી8-151ની વિન્ડશિલ્ડ તૂટી ગઇ હતી.
ફ્લાઈટ દિલ્હી લઈ જવાઈ પરંતુ ખરાબ હવામાનને કારણે ઉતરી ન શકી, જયપુર લઈ જવાઈ
ફ્લાઇટ બપોરે 12:40 વાગ્યે દિલ્હીથી નીકળી હતી, પરંતુ થોડા સમય પછી જ પાઇલટ્સને ખામીની જાણ થઈ હતી. વિન્ડશીલ્ડ તૂટ્યા બાદ ફ્લાઇટને દિલ્હી પરત લઇ જવામાં આવી હતી પરંતુ દિલ્હીમાં ખરાબ હવામાનના કારણે તે લેન્ડ થઇ શકી ન હતી. આ વિમાનને બપોરે 2:55 વાગ્યે ગુવાહાટીમાં ઉતરવાનું હતું. આથી પાયલટ તેને જયપુર એરપોર્ટ લઈ ગયા હતા જ્યાં તેનું સલામત ઉતરાણ કરી દેવાયું હતું.
ગો ફર્સ્ટની મુંબઈ-લેહ અને શ્રીનગર-દિલ્હી ફ્લાઈટમાં આવી હતી ખરાબી
મંગળવારે ગો ફર્સ્ટની મુંબઈ-લેહ અને શ્રીનગર-દિલ્હી ફ્લાઈટમાં એન્જિન ખરાબ થવાના કારણે બંને વિમાનોને ઉડાન ભરતા રોકવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ડીજીસીએ આ બંને ઘટનાઓની તપાસ કરી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બે નંબરના એન્જિનમાં ખામી હોવાના અહેવાલ બાદ ગો ફર્સ્ટની મુંબઇ-લેહ ફ્લાઇટને રસ્તાની વચ્ચેથી દિલ્હી તરફ વાળવામાં આવી હતી. તેમણે કહ્યું કે, કંપનીની શ્રીનગર-દિલ્હી ફ્લાઇટના એન્જિન નંબર બેમાં પણ મિડ એર ફોલ્ટ હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારબાદ તેને શ્રીનગર પરત ફરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
The windshield of a Go-Air flight between Delhi-Guwahati cracks mid-air. Due to bad weather, the aircraft did not return to Delhi and diverted safely to Jaipur: DGCA Officials pic.twitter.com/Jgv3hakVUY
— ANI (@ANI) July 20, 2022
છેલ્લા 1 મહિનામાં ફ્લાઈટમાં ટેકનિકલ ખામીના અનેક કિસ્સા
છેલ્લા એક મહિનામાં ભારતીય એરલાઈન્સની ફ્લાઈટમાં ટેકનિકલ ખામીના અનેક કિસ્સા સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ સુરક્ષિત હવાઈ મુસાફરી સુનિશ્ચિત કરવાના મુદ્દે એરલાઇન્સ, તેમના મંત્રાલયના અધિકારીઓ અને ડીજીસીએના અધિકારીઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજી છે. આ પહેલા 17 જુલાઈના રોજ ઈન્ડિગોની શારજાહ-હૈદરાબાદ ફ્લાઈટને પાયલટને વિમાનના એક એન્જિનમાં ખામી જણાતાં તેને કરાચીમાં ડાયવર્ટ કરવામાં આવી હતી. 16 જુલાઈની રાત્રે, એર ઇન્ડિયા એક્સપ્રેસની કાલિકટ-દુબઈ ફ્લાઇટને ફ્લાઇટ દરમિયાન કેબિનમાં થોડી બળતરાની ગંધ આવ્યા બાદ મસ્કત તરફ વાળવામાં આવી હતી. 15 જુલાઈના રોજ એર ઇન્ડિયા એક્સપ્રેસની બહેરીન-કોચી ફ્લાઇટના કોકપિટમાંથી એક જીવંત પક્ષી મળી આવ્યું હતું.