દિલ્હી વિધાનસભામાં બહુમતીથી જીત મેળવ્યા બાદ, ભાજપે ગઈકાલે પોતાના મુખ્યમંત્રીની જાહેરાત કરી. ગઈકાલે સાંજે ધારાસભ્ય પક્ષની બેઠક બાદ, ભાજપે સર્વાનુમતે રેખા ગુપ્તાને દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યા. આ પછી, રેખા ગુપ્તા આજે સવારે 11 વાગ્યે રામલીલા મેદાનમાં 6 મંત્રીઓ સાથે શપથ ગ્રહણ કરવાના છે. રેખા કેબિનેટના મંત્રીઓમાં એક નામ મનજિંદર સિંહ સિરસાનું પણ છે. ચાલો તેમના વિશે જાણીએ…
કોણ છે મનજિંદર સિંહ સિરસા?
મનજિંદર સિંહ સિરસાએ રાજૌરી ગાર્ડન વિધાનસભા મતવિસ્તારમાંથી પહેલી વાર દિલ્હી વિધાનસભા ચૂંટણી જીતી છે. જોકે, તેઓ અકાલી દળની ટિકિટ પર બે વાર ધારાસભ્યની ચૂંટણી પણ જીતી ચૂક્યા છે. તેમણે 2013 અને 2017 માં દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના પ્રમુખ તરીકે પણ સેવા આપી છે. મનજિંદર સિંહ સિરસા 2021 માં અકાલી દળ છોડીને ભાજપમાં જોડાયા. આ ઉપરાંત, સિરસા 2023 થી ભાજપના રાષ્ટ્રીય સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. તાજેતરમાં યોજાયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં, મનજિંદર સિંહ સિરસાએ આપના વર્તમાન ધારાસભ્ય ધનવતી ચંદેલાને ૧૮૧૯૦ મતોના માર્જિનથી હરાવ્યા હતા.
જો મિલકતની વાત કરીએ તો ચૂંટણી સોગંદનામા મુજબ તેમની કુલ મિલકત 248.9 કરોડ રૂપિયા છે. તે જ સમયે, તેણે ફક્ત ૧૨મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે.
મંત્રી શા માટે પસંદ કરવામાં આવ્યા?
સિરસા દિલ્હીમાં ભાજપનો મુખ્ય શીખ ચહેરો પણ છે. મોદી જ્યારે પણ ગુરુદ્વારાની મુલાકાત લે છે ત્યારે સિરસા ઘણીવાર તેમની સાથે જોવા મળે છે. ખેડૂતોના આંદોલન પછી પંજાબમાં ભાજપનો પરાજય થયો હોવાથી, ભાજપ આગામી 2027ની પંજાબ ચૂંટણીને ધ્યાનમાં રાખીને મનજિંદર સિંહ સિરસા પર દાવ લગાવી રહી છે. ભાજપને લાગે છે કે સિરસા દ્વારા તે 2027ની પંજાબ ચૂંટણીમાં શીખ મતદારોને આકર્ષિત કરી શકે છે.