જાણીતા સંતુરવાદક પંડિત શિવકુમાર શર્માનું નિધન
પંડિત શિવકુમાર શર્માના નિધનથી સંગીત જગતમાં શોકની લાગણી
અમજદ અલી ખાને ટ્વિટ કર્યું
દેશના સુપ્રસિદ્ધ ભારતીય સંગીતકાર અને જાણીતા સંતુરવાદક પંડિત શિવકુમાર શર્માનું નિધન થયું છે. ભારતીય સંગીતને તેમની વિશિષ્ટ શૈલીના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ ઓળખ પ્રાપ્ત થઇ છે. શિવકુમાર શર્માનું મુંબઈમાં કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થયું છે. તેઓ 84 વર્ષના હતાં. તેઓ છેલ્લાં છ મહિનાથી કિડની સંબંધિત સમસ્યાથી પીડાતા હતા અને ડાયાલિસિસ પર હતા.
જણાવી દઇએ કે, પંડિત શિવકુમાર શર્માનું ફિલ્મ જગતમાં પણ મહત્વનું યોગદાન હતું. બોલિવુડમાં ‘શિવ-હરિ’ (શિવકુમાર શર્મા અને હરિ પ્રસાદ ચૌરસિયા) ની જોડીએ ઘણાં હિટ ગીતોને સંગીત આપ્યું છે. જેમાં વાત કરીએ તો શ્રીદેવીના ફિલ્મનું ગીત ‘મેરે હાથોં મેં નૌ-નૌ ચૂડિયાં’ નું સંગીત આ હિટ જોડીએ કમ્પોઝ કર્યું હતું.
નિર્માતા અને અભિનેત્રી દુર્ગા જસરાજે આ અંગે દુઃખની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે, પ્રકૃતિનું સંગીત શાંત થઈ ગયું છે. બાપુજી પંડિત જસરાજ જી બાદ હવે શિવ ચાચાજીની અચાનક આ રીતે વિદાય મારી માટે બેવડી અને બધુ જ વેરવિખેર કરી નાખનારી ક્ષણ છે.
સૌથી દુઃખદ વાત એ છે કે, શિવકુમાર શર્માજી 15 મેના રોજ એક કાર્યક્રમ કરવાના હતા. આ ખાસ ક્ષણનો ભાગ બનવાની અનેક લોકો રાહ જોઈ રહ્યાં હતા. આ કાર્યક્રમમાં શિવકુમાર શર્માજી હરિ પ્રસાદ ચૌરસિયા સાથે ગાવાના હતા. પરંતુ અફસોસ થાય છે કે, ઇવેન્ટના થોડાં જ દિવસ પહેલાં શિવકુમાર શર્માએ આ દુનિયાને કાયમની માટે અલવિદા કહી દીધું છે.