• વારાણસી બ્લાસ્ટ કેસમાં ગાઝિયાબાદ કોર્ટનો ચુકાદો
• આરોપી આતંકી વલીઉલ્લાહને ફાંસીની સજા
• કોર્ટે આજીવન કારાવાસની પણ સજા ફટકારી
વર્ષ 2006માં વારાણસીમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો જેમાં 20 લોકોના મોત થયા હતા. ત્યારે આ બ્લાસ્ટ માટે જવાબદાર મનાતા આતંકી વલીઉલ્લાહને તેના પાપોની સજા મળી છે. વારાણસી બ્લાસ્ટ કેસમાં ગાઝિયાબાદ કોર્ટે આતંકી વલીઉલ્લાહને ફાંસી અને આજીવન કારાવાસની સજા ફટકારી છે. સરકરી વકીલ રાજેશ શર્માએ જણાવ્યું હતું કે જિલ્લા સત્ર ન્યાયાધીશ જિતેન્દ્રકુમાર સિંહાએ વલીઉલ્લાહને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા બે કેસોમાં દોષિત ઠેરવ્યો હતો. ચુકાદો જાહેર કરતી વખતે સુરક્ષાને ધ્યાનમાં રાખીને મીડિયાને પણ જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
કોર્ટમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. ડોગ સ્કવોડે સમયાંતરે કોર્ટ પરિસરની શોધખોળ હાથ ધરી હતી.
વારાણસીમાં થયેલા બ્લાસ્ટ બાદ વલીઉલ્લાહના પક્ષ તરફથી કોઇ વકીલ આ કેસ લડવા માટે રાજી થયા નથી. ત્યારબાદ અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર આ કેસને ગાઝિયાબાદ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં ત્રણ બ્લાસ્ટમાં પાંચ આતંકીઓ સામેલ હોવાનું સામે આવ્યું છે. એક આતંકી મૌલાના ઝુબેરને સરહદ પર સુરક્ષા દળોએ માર્યો હતો.
7 માર્ચ, 2006ના રોજ સંકટ મોચન મંદિર અને કેન્ટોનમેન્ટ રેલવે સ્ટેશન પર થયેલા વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.