રાજ્ય કોંગ્રેસના નેતાઓએ આજે કર્ણાટકમાં કથિત વોટર આઈડી કૌભાંડ અંગે બેંગલુરુમાં રાજ્ય ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. જેમાં રાજ્યના મંત્રીઓ અને એક ખાનગી સંસ્થા પર હેરાફેરીનો આરોપ લગાવવામાં આવ્યો છે.
કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારના નેતૃત્વમાં પાર્ટીનું એક પ્રતિનિધિમંડળ બેંગલુરુમાં રાજ્ય ચૂંટણી કાર્યાલય પહોંચ્યું હતું. તેમણે મતદાર આઈડીના સંગ્રહ અંગે મંત્રીઓ દ્વારા કૌભાંડનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે સત્તાધારી ભાજપ સરકાર મતદારોના ડેટાની ચોરી કરી રહી છે. ખાનગી સંસ્થા દ્વારા ચૂંટણીમાં છેતરપિંડી કરવામાં આવી રહી છે.
ડીકે શિવકુમારે મંત્રી સીએન અશ્વથ નારાયણ અને તેમની ટીમ પર સૌથી મોટી છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો. તેમના પર મતદાર ID ડેટાનો દુરુપયોગ કરવાનો, છેતરપિંડી કરીને માહિતી એકઠી કરવાનો અને લાખો મતદારોના નામ કાઢી નાખવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ મુખ્યમંત્રી બોમાઈના રાજીનામાની અને કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા આ મામલાની તપાસની માંગ કરી હતી.
તપાસનો સામનો કરવા તૈયારઃ સીએમ બોમાઈ
બીજી તરફ સીએમ બસવરાજ બોમાઈએ વોટર આઈડીમાં ગોટાળાના કોંગ્રેસના આરોપોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે તેઓ આ મામલે તપાસનો સામનો કરવા તૈયાર છે.