વી નારાયણન ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના નવા અધ્યક્ષ બનશે. ભારત સરકારે મંગળવારે આ જાણકારી આપી. વી નારાયણન ઇસરોના અધ્યક્ષ તરીકે ડૉ. એસ સોમનાથનું સ્થાન લેશે. વી નારાયણન અવકાશ વિભાગના સચિવ તરીકે પણ કાર્યભાર સંભાળશે. કેબિનેટની નિમણૂક સમિતિના આદેશ મુજબ, વી નારાયણન 14 જાન્યુઆરીએ વર્તમાન ઈસરોના વડા એસ સોમનાથના સ્થાને ચાર્જ સંભાળશે. તેઓ આગામી બે વર્ષ સુધી અથવા આગળની સૂચના ન મળે ત્યાં સુધી આ પદની જવાબદારી સંભાળશે.
ઈસરોના નવા વડા કોણ છે?
વી નારાયણન રોકેટ અને અવકાશયાન પ્રોપલ્શનમાં લગભગ ચાર દાયકાનો અનુભવ ધરાવતા પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક છે. તે રોકેટ અને સ્પેસક્રાફ્ટ પ્રોપલ્શન એક્સપર્ટ છે. વી નારાયણન 1984 માં ISRO માં જોડાયા હતા અને લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટર (LPSC) ના નિયામક બનતા પહેલા વિવિધ હોદ્દાઓ સંભાળ્યા હતા. પ્રારંભિક તબક્કા દરમિયાન, તેમણે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) ખાતે સાઉન્ડિંગ રોકેટ અને ઓગમેન્ટેડ સેટેલાઇટ લોંચ વ્હીકલ (ASLV) અને ધ્રુવીય સેટેલાઇટ લોંચ વ્હીકલ (PSLV) ના સોલિડ પ્રોપલ્શનના ક્ષેત્રમાં કામ કર્યું હતું.
વી નારાયણને એબ્લેટીવ નોઝલ સિસ્ટમ, કોમ્પોઝિટ મોટર કેસ અને કોમ્પોઝિટ ઇગ્નીટર કેસના પ્રક્રિયા આયોજન, પ્રક્રિયા નિયંત્રણ અને અમલીકરણમાં યોગદાન આપ્યું હતું. હાલમાં નારાયણન LPSC ના નિયામક છે, જે ISROના મુખ્ય કેન્દ્રોમાંનું એક છે, જેનું મુખ્ય મથક વાલીયામાલા, તિરુવનંતપુરમ ખાતે છે, જેમાં બેંગલુરુમાં એક યુનિટ છે. નારાયણન પાસે 40 વર્ષનો અનુભવ છે. તે રોકેટ અને સ્પેસક્રાફ્ટ ઓપરેશનમાં નિષ્ણાત છે.
એસ સોમનાથ 14 જાન્યુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે
ઈસરોના વર્તમાન અધ્યક્ષ એસ. સોમનાથે 14 જાન્યુઆરી 2022ના રોજ ઈસરોના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ત્રણ વર્ષના કાર્યકાળ બાદ તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે. ઈસરોએ તેમના કાર્યકાળ દરમિયાન ઈતિહાસ રચ્યો હતો. ઈસરોએ ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કર્યું એટલું જ નહીં પરંતુ પૃથ્વીથી 15 લાખ કિમી ઉપર લેગ્રેન્જ પોઈન્ટ પર સૂર્યનો અભ્યાસ કરવા માટે આદિત્ય-એલ1ને પણ મોકલ્યું.