વિશ્વભરમાં વધી રહેલા તણાવની વચ્ચે અમેરિકાએ અરબ સાગરમાં ગુજરાત અને પાકિસ્તાનની જળસીમાની નજીક પોતાની મહાવિનાશક પરમાણુ સબમરીનને તૈનાત કરી છે. એટલું જ નહીં, અમેરિકાએ પરમાણુ બોમ્બથી સજ્જ મિસાઈલોને લઈ જવામાં સક્ષમ સબમરીન ‘યુએસએસ વેસ્ટ વર્જિનિયા’ને તૈનાત કરવાના સમાચારનું સાર્વજનિક રીતે એલાન પણ કર્યું છે. વિશ્લેષકોના મતે અમેરિકાનું આ એલાન પોતાનામાં ખૂબ જ દુર્લભ મામલો છે.
અમેરિકા સામાન્ય રીતે પેટ્રોલિંગ દરમિયાન તેની પરમાણુ સબમરીનનું સ્થાન ક્યારેય જાહેર કરતું નથી. આ કારણોસર તેને ખૂબ જ અસામાન્ય ઘટના માનવામાં આવી રહી છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે, આ ‘યુએસએસ વેસ્ટ વર્જિનિયા’ પરમાણુ સબમરીન ઓહિયો ક્લાસની છે. ચાલો જાણીએ કે અમેરિકાના નિશાન પર ક્યાં દેશ છે અને આ પરણામુ સબમરીન કેટલી ખતરનાક છે.
અમેરિકી સૈન્ય અધિકારી જનરલ કુરિલ્લાએ કહ્યું કે, આ પરમાણુ સબમરીન દેશના ન્યૂક્લિયર ટ્રાયડનું સૌથી મહત્વનું અંગ છે. તેમણે કહ્યું કે ઓહિયો ક્લાસની આ સબમરીન હુમલાથી બચવાની તાકાત, તૈયારી અને સમુદ્રમાં અમેરિકી સૈન્ય અને વ્યૂહાત્મક દળોની ક્ષમતાને દર્શાવે છે. યુએસ નેવી પાસે હાલમાં 14 ઓહિયો ક્લાસની બેલિસ્ટિક મિસાઈલ સબમરીન છે, જેને SSBN કહેવામાં આવે છે. પરમાણુ ઊર્જાથી સંચાલિત આ સબમરીનને મુખ્યત્વે 24 પરમાણુ બોમ્બથી સજ્જ ટ્રાઈડેન્ટ મિસાઈલને લઈ જવા માટે બનાવવામાં આવી છે.
જો કે, બાદમાં રશિયા સાથે સમજૂતી બાદ તેની સંખ્યા ઘટાડીને 20 મિસાઈલ કરી દેવામાં આવી છે. હાલમાં, અમેરિકા ટ્રાઇડેન્ટ ડી5 મિસાઇલનો ઉપયોગ કરે છે, જે એક સાથે અનેક લક્ષ્યોને નષ્ટ કરવાની શક્તિ ધરાવે છે. માત્ર એક ટ્રાઈડેન્ટ ડી5 મિસાઈલ 14 પરમાણુ બોમ્બને એકસાથે લઈ જઈ શકે છે અને દુશ્મનના 14 લક્ષ્યોને એક જ ક્ષણમાં નષ્ટ કરી શકે છે. અમેરિકન નેવીમાં 4 વધુ ઓહિયો ક્લાસની સબમરીન છે જેને હવે ગાઈડેડ મિસાઈલ સબમરીન (SSGN)માં રૂપાંતરિત કરવામાં આવી છે.
અમેરિકાની આ સબમરીન વિશ્વમાં પોતાની ખાસ શક્તિ માટે જાણીતી છે. આ છે ટૉમહૉક ક્રૂઝ મિસાઈલ, જેનો ઉપયોગ અમેરિકાએ અફઘાનિસ્તાનથી લઈને દુનિયાના ઘણા યુદ્ધોમાં કર્યો છે. તેને ‘અમેરિકી બ્રહ્માસ્ત્ર’ કહેવામાં આવે છે. ઓહિયો ક્લાસની સબમરીન 154 ટૉમહૉક ક્રુઝ મિસાઈલ લઈ જઈ શકે છે. નિષ્ણાતોના મતે ઓહિયો ક્લાસની આ સબમરીન એક સાથે અનેક પ્રકારના કામ કરી શકે છે. તે ડ્રોન સિસ્ટમ, ખાસ મિશન માટે મધરશિપ, અંડરવોટર જાસૂસી અને કમાન્ડ પોસ્ટની ભૂમિકા ભજવી શકે છે.
એક રિપોર્ટ મુજબ, ઓહિયો ક્લાસની સબમરીનને અરબી સમુદ્રમાં લઈ જવી અને આ અંગેની જાહેરાત કરવી એ પોતાનામાં એક ખૂબ જ દુર્લભ મામલો છે. અમેરિકી નેવી હંમેશા તેના પરમાણુ પ્રતિરોધક ક્ષમતાના સૌથી મહત્વપૂર્ણ હથિયારો વિશે મૌન રહે છે. રિપોર્ટ અનુસાર, અમેરિકાએ જાસૂસીના ખતરાને ધ્યાનમાં રાખીને આ સબમરીનના સ્થાન અને સમયનો ખુલાસો કર્યો નથી. અમેરિકાએ અગાઉ પણ પોતાના દુશ્મનોને સંદેશ આપવા માટે સમયાંતરે આવા અસામાન્ય પેટ્રોલિંગની જાહેરાત કરી છે.
અમેરિકી સેનાના ટોચના અધિકારી માઈકલ કુરિલ્લાએ આ પરમાણુ સબમરીનના અરબી સમુદ્રમાં પહોંચવાની જાહેરાત કરી છે. રિપોર્ટ્સ અનુસાર, આ દર્શવે છે કે અરબી સમુદ્રમાં અમેરિકાની પાસે કેટલી મહાવિનાશક તાકાત છે. એક રિપોર્ટ અનુસાર, અમેરિકાએ તેની ‘યુએસએસ વેસ્ટ વર્જિનિયા’ પરમાણુ સબમરીનને અરબ સાગરમાં મોકલીને માત્ર તેના રાજકીય વિરોધીઓ ઈરાન, રશિયા અને ચીનને જ નહીં પરંતુ અમેરિકાના મિત્રો અને ભાગીદારોને પણ સંદેશ આપ્યો છે.
સેન્ટ્રલ કમાન્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અરબી સમુદ્રમાં એક અજ્ઞાત સ્થળે જનરલ કુરિલ્લાએ આ પરમાણુ સબમરીનનું સ્વાગત કર્યું. આ નિવેદનમાં એ નથી જણાવ્યું કે જનરલ કુરિલ્લા અને અન્ય સૈન્ય અધિકારી સબમરીનની અંદર ગયા હતા કે નહીં. જનરલ કુરિલ્લાએ કહ્યું કે, તેઓ આ સબમરીનના ક્રૂની ક્ષમતાથી ખૂબ પ્રભાવિત થયા છે. સેન્ટ્રલ કમાન્ડનું નિવેદન દર્શાવે છે કે જાસૂસીનું જોખમ હોવા છતાં આ પરમાણુ સબમરીન સપાટી પર આવી હતી.
પરમાણુ બોમ્બથી સજ્જ સબમરીનને મોકલીને અમેરિકાએ એક તીરથી અનેક શિકાર કરવાના પ્રયાસો કર્યા છે. આ પરમાણુ સબમરીન એવા સમયે અરબી સમુદ્રમાં આવી છે, જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે રશિયાને હથિયારોની સપ્લાયને લઈને તણાવ ઘણો વધી ગયો છે. ઈરાન રશિયાને મોટી સંખ્યામાં ડ્રોન અને મિસાઈલોની સપ્લાઈ કરી રહ્યું છે.
એટલું જ નહીં, અમેરિકાનું મિત્ર કહેવાતું સાઉદી અરેબિયા પણ રાષ્ટ્રપતિ બાઈડનને આંખો બતાવી રહ્યું છે. સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન રશિયા સાથે તેલ કાપને લઈને હાથ મિલાવી ચૂક્યા છે. તો પરમાણુ શસ્ત્ર નિષ્ણાત હેન્સ ક્રિસ્ટનનું કહેવું છે કે અમેરિકાએ અરબી સમુદ્રમાં પરમાણુ મિસાઈલથી સજ્જ સબમરીન તૈનાત કરીને ચીની ડ્રેગનને કડક સંદેશ આપ્યો છે.
ખાસ રીતે તૈયાર કરાયેલ W76-2 પરમાણુ બોમ્બ યુએસ આર્મી પાસે પહોંચી ગયો છે. આ પરમાણુ બોમ્બને નાના વિસ્તારને નષ્ટ કરવા માટે બનાવવામાં આવ્યો છે. આ પરમાણુ બોમ્બ માત્ર ‘યુએસએસ વેસ્ટ વર્જિનિયા’ની ટ્રાઈડેન્ટ ડી5 મિસાઈલથી જ ફેંકી શકાય છે. તેને રશિયાને ટાર્ગેટ કરવા માટે બનાવવામાં આવ્યો છે, જેથી તે ઓછી ક્ષમતાવાળા પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવાનું ટાળે. અમેરિકા અને ચીનની વચ્ચે આ સમયે તાઈવાનને લઈને તણાવ ચરમસીમાએ છે. અમેરિકાએ ચીનને તાઈવાન પર હુમલાની આશંકાને લઈને ઘણી વખત ચેતવણી આપી છે. તો ઉત્તર કોરિયા પણ સતત મિસાઈલોનું પરીક્ષણ કરીને ભડકાવી રહ્યું છે.