યુપીના લખીમપુરમાં બુધવારે બે બહેનોના મૃતદેહ ઝાડ પર લટકેલા મળી આવતા હડકંપ મચી ગયો છે. જેમના મૃતદેહ મળ્યા છે તે બંને સગી બહેનો છે. આ મામલો લખીમપુર ખેરીના નિગાસન કોતવાલીનો છે. આ મામલે ADG કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારનું નિવેદન આવ્યું છે. લખનૌ રેન્જના આઈજીએ પણ આ ઘટનાની તપાસ શરૂ કરી છે. જ્યારે આ કેસમાં પીડિતાની માતાએ ગંભીર આરોપ લગાવ્યા છે. આ ઘટનામાં પોલીસે ચાર લોકોને કસ્ટડીમાં લીધા છે.
ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લાના નિગાસન કોતવાલી વિસ્તારના તમોલિનપુરવા ગામમાં ગઈકાલે રાત્રે દલિત સમુદાયની બે બહેનો ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતા હોબાળો મચી ગયો હતો. આ મામલામાં પરિવારે છોકરીઓને બળજબરીથી ઉપાડી જવાનો અને તેમની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. લખીમપુર ખેરીના એડિશનલ એસપી અરુણ કુમાર સિંહના જણાવ્યા અનુસાર લખીમપુર ઘટનામાં બળાત્કાર, હત્યા અને બાળ શોષણનો કેસ નોંધવામાં આવ્યો છે. એફઆઈઆરમાં એક નામ અને ત્રણ અજાણ્યા આરોપીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
છોકરીઓની માતાએ મીડિયા અને પોલીસને જણાવ્યું કે, આરોપીઓ તેમની દીકરીઓને બળજબરીથી મોટરસાઈકલ પર લઈ ગયા. બાળકીની માતાએ આરોપ લગાવ્યો છે કે, જ્યારે તેણે આરોપીને રોકવાનો પ્રયાસ કર્યો તો આરોપીએ તેની સાથે મારપીટ કરી. પરિવારજનો અને ગ્રામજનોએ બાદમાં છોકરીઓની શોધખોળ કરી અને તેમની લાશ ઝાડ પર લટકતી મળી આવી. મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેની દીકરીઓ પર બળાત્કાર કરવામાં આવ્યો અને પછી તેમની હત્યા કરવામાં આવી. આરોપીઓ પર હત્યા અને બળાત્કાર સંબંધિત IPC કલમો અને POCSO હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે.
આ તરફ ઘટનાને લઈને યુપીના ADG કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારનું નિવેદન પણ આવ્યું છે. તેમણે કહ્યું છે કે, લખીમપુરમાં તેમના ઘરથી થોડે દૂર એક ઝાડ પર બે બહેનોના મૃતદેહ લટકેલા મળી આવ્યા હતા. એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સંબંધીઓની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. દરેક પાસાઓની તપાસ કરવામાં આવશે.