ભારતના ‘વિંડ મેન’ના નામે જાણીતા સુજલૉન એનર્જીના સ્થાપક તુલસી તંતીનું શનિવારે 64 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થયું છે. 1958માં ગુજરાતના રાજકોટમાં જન્મેલા, તંતી સુજલૉન એનર્જીના પ્રમોટરોમાંથી એક હતા, જેની સ્થાપના તેમણે 1995માં કરી હતી. તંતી અમદાવાદથી પુણે જઇ રહ્યાં હતા. ત્યારે જ તેમને હ્રદય રોગનો હુમલો આવ્યો. જેના કારણે તેમનું અવસાન થયું છે. તેમના પરિવારમાં દિકરી નિધિ અને દિકરો પ્રણવ છે.
તંતી ઇન્ડિયન વિંડ ટર્બાઇન મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના અધ્યક્ષ પણ હતા. તેમને 1995માં સુજલૉન એનર્જીની સ્થાપના સાથે ભારતમાં પવન ક્રાંતિનું નેતૃત્વ કરવાનો શ્રેય આપવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઉર્જા ક્ષેત્રની કંપની સુઝલૉન એનર્જીના સ્થાપક , ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તુલસી તંતીનાં નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે તુલસી તંતીએ ભારતની આર્થિક પ્રગતિમાં ફાળો આપ્યો છે અને ટકાઉ વિકાસને આગળ ધપાવવાના દેશના પ્રયાસોને મજબૂત બનાવ્યા છે.
એક ટ્વિટમાં, વડા પ્રધાને કહ્યું, “તંતી એક અગ્રણી ઉદ્યોગપતિ હતા જેમણે ભારતની આર્થિક પ્રગતિમાં યોગદાન આપ્યું હતું અને ટકાઉ વિકાસને આગળ વધારવા માટે આપણા રાષ્ટ્રના પ્રયત્નોને મજબૂત બનાવ્યા હતા. તેમના અકાળ અવસાનથી હું દુખી છું. પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદના.”
તંતી એ 1995માં એક ટેક્સટાઇલ બિઝનેસ શરૂ કર્યો હતો. પરંતુ વીજળીની અછતના પગલે ઉત્પાદન ઘટતું ગયું. તે બાદ તેમણે 1995માં જ ટેક્સટાઇલ કંપનીની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે પવન ઉર્જા ઉત્પાદનની શરૂઆત કરી અને સુજલૉન એનર્જીની સ્થાપના કરી.
તે બાદ 2001માં તેણે ટેક્સટાઇલ બિઝનેસને વેચી નાંખ્યો. 2003માં સુજલૉનને દક્ષિણ-પશ્ચિમી મિનેસોટામાં 24 ટર્બાઇનોના સ્ટોક માટે ડેનમાર એન્ડ એસોસિએટ્સ તરફથી યુએસએમાં પહેલો ઓર્ડર મળ્યો. હાલ સુજલૉન એનર્જીની માર્કેટ કેપ 8,535.90 કરોડ રૂપિયા છે. તંતી એ 1995માં સુજલૉન એનર્જીની સ્થાપના સાથે ભારતમાં પવન ઉર્જાના ક્ષેત્રમાં પણ પગ જમાવ્યો. તેના વિસ્તાર માટે એક નવુ બિઝનેસ મોડલ અપનાવ્યું જેમાં કંપનીઓને ગ્રીન એનર્જીનો વિકલ્પ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતી હતી.