દિવાળી પહેલા સરકાર દેશના કરોડો નાના વેપારીઓને વધુ એક ભેટ આપી શકે છે. આ અંતર્ગત સપ્ટેમ્બર માટે જીએસટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી શકે છે. જેથી તહેવારોની તૈયારીમાં લાગેલા વેપારીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ ગુરુવારે મોડી રાત્રે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, વેપારીઓને સપ્ટેમ્બર માટે GST રિટર્ન ફાઇલ કરવા માટે વધુ સમય આપવામાં આવી શકે છે.
સીબીઆઈસીના જણાવ્યા અનુસાર ઘણા કરદાતાઓએ GSTN પોર્ટલની ગતિ ધીમી હોવા અંગે ફરિયાદ કરી હતી અને રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. હાલમાં આ દરખાસ્તની સમીક્ષા કરવામાં આવી રહી છે અને ત્યાર બાદ છેલ્લી તારીખ લંબાવવાની મંજૂરી આપવામાં આવશે. દર મહિના માટેનું ફોર્મ GSTR 3B આવતા મહિનાની 20મી, 22મી અથવા 24મી તારીખે ફાઈલ કરવામાં આવે છે. આ સમયમર્યાદા દરેક રાજ્યમાં બદલાય છે. ઓક્ટોબરમાં પણ સપ્ટેમ્બરનું GST રિટર્ન આ તારીખો પર ભરવાનું હતું પરંતુ હવે સમયમર્યાદા લંબાવી શકાય છે.
CBIC એ જણાવ્યું હતું કે ગુરુવારે અમુક વર્ગોના વેપારીઓ માટે GST રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ હતી, પરંતુ ઘણા કરદાતાઓએ પોર્ટલ ધીમી ચાલતી હોવાની ફરિયાદ કરી હતી જેના કારણે તેઓ માસિક GST રિટર્ન ફોર્મ GSTR 3B ફાઇલ કરી શક્યા નથી. CBIC એ ટ્વિટ કર્યું કે તેમને GST નેટવર્ક (GSTN) તરફથી પ્રસ્તાવ સાથે ફરિયાદ મળી છે. એવું કહેવામાં આવ્યું છે કે, GST પોર્ટલ ધીમી ગતિએ ચાલવાને કારણે માસિક રિટર્ન ભરવામાં સમસ્યા છે.
તેથી તેની સમયમર્યાદા લંબાવવી જોઈએ. અમે આ મુદ્દા પર નજર રાખી રહ્યા છીએ અને દરખાસ્તો પર પણ ધ્યાન આપી રહ્યા છીએ. સમયમર્યાદા લંબાવવા અંગે અંતિમ નિર્ણય લેવા માટે GST કાઉન્સિલ સાથે ચર્ચા કરવામાં આવશે. તેથી કરદાતાઓ પર લેટ ફી કે વ્યાજનો કોઈ બોજ રહેશે નહીં.
GSTને ટેક્નોલોજી સેવાઓ પૂરી પાડતી સંસ્થા GSTNનું કહેવું છે કે, આ મામલે સર્વિસ પ્રોવાઈડર કંપની ઈન્ફોસિસ સાથે ચર્ચા થઈ રહી છે. અમે આ સમસ્યાના ઉકેલ પર કામ કરી રહ્યા છીએ. GSTN એ ટ્વીટ કર્યું કે, ગુરુવારે ઘણા કરદાતાઓએ GSTR 3B ફોર્મ ભરવામાં મુશ્કેલીની વાત કરી હતી. અમારી તકનીકી ટીમ આ સમસ્યાને ઉકેલવા માટે કામ કરી રહી છે. રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા લંબાવવાની દરખાસ્ત સાથે કેસનો રિપોર્ટ CBICને મોકલવામાં આવ્યો છે.
AMRG એન્ડ એસોસિએટ્સના સિનિયર પાર્ટનર રજત મોહનનું કહેવું છે કે, GSTNના પોર્ટલ પર ટેકનિકલ ખામીઓને કારણે લાખો વેપારીઓને રિટર્ન ફાઈલ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તહેવારોની સિઝનમાં આ પ્રકારની સમસ્યાથી બચવા માટે સમયમર્યાદા થોડી વધારવી જોઈએ. GST કાઉન્સિલ રિટર્ન ફાઈલ કરવા માટે વધુ એક કે બે દિવસનો સમય આપી શકે છે.