મહારાષ્ટ્રના થાણે શહેરમાં પોલીસે નાણાકીય ગુનામાં કથિત ભૂમિકા બદલ વધુ ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ કેસ પેમેન્ટ ગેટવે કંપનીની સિસ્ટમ સાથે ચેડા કરીને રૂ. 16,180 કરોડની ઉચાપતનો છે.
આરોપીઓની ઓળખ કેદાર દિઘે (41), સંદીપ નકાશે (38) અને રામ બોહરા (47) તરીકે કરવામાં આવી છે. અધિક પોલીસ કમિશનર (ક્રાઈમ) ડૉ. પંજાબરાવ ઉગલેએ જણાવ્યું હતું કે ગુરુવારે મોડી રાત્રે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, આ પહેલા પોલીસે 12 ઓક્ટોબરે વધુ બે આરોપીઓની ધરપકડ કરી હતી.
આ કેસ છે
પોલીસના જણાવ્યા અનુસાર, છેતરપિંડી લાંબા સમયથી ચાલી રહી હતી, પરંતુ એપ્રિલ 2023માં કંપનીની પેમેન્ટ ગેટવે સિસ્ટમ હેક થયા બાદ મામલો પ્રકાશમાં આવ્યો હતો અને 25 કરોડ રૂપિયાની ગેરરીતિ અંગે શ્રીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સાયબર સેલની ટીમે 16,180 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ વ્યવહારો શોધી કાઢ્યા હતા.
6 ઓક્ટોબરે શહેરની નૌપાડા પોલીસે વિવિધ કલમો હેઠળ પાંચ લોકો સામે ગુનો નોંધ્યો હતો. એફઆઈઆર મુજબ, આરોપીઓમાંથી એક જીતેન્દ્ર પાંડેએ અગાઉ આઠથી 10 વર્ષ સુધી બેંકોમાં રિલેશનશીપ અને સેલ્સ મેનેજર તરીકે કામ કર્યું હતું. આરોપીઓએ શંકાસ્પદ વ્યવહારો કરવા માટે અનેક નકલી ભાગીદારી પેઢીઓ બનાવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા કેટલાક લોકો આ નકલી કંપનીઓ સાથે જોડાયેલા છે.