ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક ભારતની મુલાકાતે છે. ભૂટાનના રાજા મંગળવારે વડાપ્રધાન મોદીને મળ્યા હતા. આ બેઠક વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને થઈ હતી. આ બેઠકમાં બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. આ પહેલા ભુતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકે દિલ્હીમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી હતી. જણાવી દઈએ કે ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સોમવારે બે દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા હતા. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. ભૂતાન રાજાની ભારત મુલાકાતના મહત્વ પર વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે.
રાષ્ટ્રપતિને મળશે
વડાપ્રધાનને મળ્યા પહેલા ભૂટાનના રાજાએ રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિમાં શ્રદ્ધાંજલિ આપી હતી. ભૂટાનના રાજા મંગળવારે સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરશે. આ બેઠક રાષ્ટ્રપતિ ભવનમાં થશે. ભૂટાનના વડા પ્રધાન લોટે શેરિંગે તાજેતરમાં એક નિવેદનમાં કહ્યું હતું કે ડોકલામ વિવાદને ઉકેલવામાં ચીનની પણ ભૂમિકા છે. ભૂટાનના વડાપ્રધાનના આ નિવેદનને ભારત માટે આંચકો માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ભૂટાનના રાજાની ભારત મુલાકાતનું ઘણું મહત્વ છે.