સુપ્રીમ કોર્ટે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને જય શાહનો કાર્યકાળ વધારવાની મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈને તેના બંધારણમાં સુધારો કરવાની મંજૂરી આપી દીધી છે. બીસીસીઆઈના પ્રેસિડન્ટ, સેક્રેટરી અને બીજા હોદ્દેદારોના કાર્યકાળ માટે નિયમોમાં ફેરફાર કરવા સંબંધિત એક અરજી પર સુનાવણી કરી રહી હતી. સુનાવણી બાદ સુપ્રીમે એવો ચુકાદો આપ્યો કે અમારુ માનવું છે કે બીસીસીઆઈના બંધારણમાં ફેરફાર કરતી વખતે મૂળ હેતુમાં કોઈ ફેરફાર ન થવો જોઈએ. સુપ્રીમના ચુકાદા બાદ હવે અધ્યક્ષ પદે ગાંગુલી અને સેક્રેટરી પદ જય શાહનો કાર્યકાળ 3 વર્ષ સુધી વધી શકે છે.
બીસીસીઆઇ તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને હિમા કોહલીની બેન્ચ સમક્ષ દલીલ કરી હતી કે, “હાલના બંધારણમાં કુલિંગ પીરિયડની જોગવાઈ છે. જો હું એક ટર્મ માટે સ્ટેટ ક્રિકેટ એસોસિએશન અને સતત બીજી ટર્મ માટે બીસીસીઆઇનો હોદ્દો ધરાવતો હોઉં તો મારે કૂલિંગ ઓફ પિરિયડમાંથી પસાર થવું પડશે. બંને સંસ્થાઓ અલગ અલગ છે અને તેમના નિયમો પણ અલગ છે અને પદાધિકારીની સતત બે ટર્મ તળિયાના સ્તરે નેતૃત્વ બનાવવા માટે ખૂબ જ ટૂંકી છે.
સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈને તેના બંધારણમાં સુધારા-વધારા કરવાની મંજૂરી આપી હોવાથી સૌરવ ગાંગુલી અને જય શાહ બીસીસીઆઈના અધ્યક્ષ અને સેક્રેટરી પદે હજુ બીજા 3 વર્ષ ચાલુ રહેશે.