યુરોપિયન યુનિયનના સભ્ય દેશોએ 2035 સુધીમાં નવી પેટ્રોલ અને ડીઝલ કાર – વાનના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. યુરોપિયન યુનિયનના સદસ્યોએ ગુરુવારે રાત્રે જે કરાર પર મહોર મારી હતી તે “ફિટ ફોર 55” પેકેજનો પ્રથમ કરાર છે. આ પેકેજ બ્લોકના એક્ઝિક્યુટિવ કમિશને આ દાયકામાં ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં 55 ટકાનો ઘટાડો કરવાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ઘડ્યું હતું.
કરાર હેઠળ કાર નિર્માતાઓએ, 2021ની તુલનામાં 2030માં વેચાયેલી નવી કારના ગેસ ઉત્સર્જનમાં 55% ઘટાડો કરવો પડશે. અને પાંચ વર્ષ પછી 100% ઘટાડા સુધી પહોંચવું પડશે. યુરોપિયન સંસદ અને સભ્ય દેશોએ કરાર અમલમાં આવે તે પહેલાં તેને ઔપચારિક રીતે મંજૂર કરવું આવશ્યક છે.
યુરોપિયન સંસદે જણાવ્યું હતું કે આ ડીલ UNની વાર્ષિક ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ થવાની છે, ત્યારે EU પર્યાવરણ કાયદામાં નિર્ધારિત વધુ મોટા લક્ષ્યો સુધી પહોંચવા નક્કર કાયદા અપનાવવા માટે ગંભીર છે હોવાની વાતનો આ સંકેત છે. EU ડેટા અનુસાર, પરિવહનમાં છેલ્લા ત્રણ દાયકામાં ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન વધ્યું છે, જે 1990 અને 2019 વચ્ચે 33.5% વધ્યું છે. પેસેન્જર કાર મુખ્ય પ્રદૂષક છે, જે રોડ ટ્રાન્સપોર્ટમાંથી થતા કુલ CO2 ઉત્સર્જનમાં 61% હિસ્સો ધરાવે છે.
EU 2050 સુધીમાં પરિવહનમાંથી ઉત્સર્જનમાં ભારે ઘટાડો કરવા અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માંગે છે, પરંતુ બ્લોકના એક્સ્ટર્નલ ઓડિટરના અહેવાલમાં ગયા વર્ષે દર્શાવવામાં આવ્યું હતું કે, આ પ્રદેશમાં યોગ્ય ચાર્જિંગ સ્ટેશનનો અભાવ છે.
EU સંસદે શુક્રવારે જણાવ્યું હતું કે, ઓટોમોટિવ સપ્લાય ચેઇનનો ભાગ હોય એવા નાના અને મધ્યમ કદના વ્યવસાયો તેમજ સંલગ્ન કાર્યક્ષેત્રોના સમુદાયને મદદ કરવા માટે ભંડોળ ફાળવવું જોઈએ, જે ગેસ અને ડીઝલ પર ચાલતી કારના વેચાણને સમાપ્ત કરવા માટે એક હકરાત્મક વાતાવરણ સર્જશે.અહીં નોંધનીય છે કે, વિશ્વના નેતાઓએ 2015માં પેરિસમાં વૈશ્વિક તાપમાનને 2 ડિગ્રી સેલ્સિયસ (3.6 ડિગ્રી F) કરતા વધારે અને સદીના અંત સુધીમાં આદર્શ રીતે 1.5 ડિગ્રી C(2.7 F )થી વધુ ન વધે તે માટે કામ કરવા માટે સંમત થયા હતા.
યુરોપિયન સંસદની પર્યાવરણ સમિતિના અધ્યક્ષ પાસ્કલ કેનફિને જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક નિર્ણય છે, કારણ કે તે પ્રથમ વખત સ્પષ્ટ ડીકાર્બોનાઇઝેશનનો રસ્તો બનાવે છે. 2025, 2030 અને 2035 માટે નક્કી કરાયેલ ટાર્ગેટ સાથે અને 2050 સુધીમાં આબોહવાની તટસ્થતાના અમારા લક્ષ્યાંક માટે મહત્વનું છે, આ ક્ષેત્ર યુરોપિયન ઉત્સર્જનમાં 16% હિસ્સો ધરાવે છે, તે 2050 સુધીમાં કાર્બન-તટસ્થ થઈ જશે.
આ બાબતે ગ્રીનપીસે જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગને 1.5 ડિગ્રી સેલ્સિયસ (2.7 ડિગ્રી ફેરનહીટ)થી નીચે મર્યાદિત કરવા માટે 2035ની સમયમર્યાદા ખૂબ જ મોડી છે. EU સરળ માર્ગ લઈ રહ્યું છે અને તે માર્ગથી માત્ર મુશ્કેલીઓ જ મળશે. ગ્રીનપીસ EU પ્રચારક લોરેલી લિમોસિને પેટ્રોલ ડીઝલની કાર પર પ્રતિબંધ 2035 પહેલા એટલે કે 2028 સુધીમાં મૂકવાનો હિમાયત કરી છે.