ઉદયપુર હત્યાકાંડના આરોપીઓ પર કોર્ટમાં હુમલો
કોર્ટમાં રજૂ કરતી વખતે ભીડ થઈ બેકાબુ
આરોપીઓને થપ્પડ, ગડદાપાટૂનો માર માર્યો
ઉદયપુર કનૈયાલાલા હત્યાકાંડના ચારેય આરોપીઓને શનિવારે બપોરે દોઢ વાગે જયપુર NIA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. તેમને રજૂ કરતી વખતે વકીલોએ આરોપીઓને ફાંસી આપવાની માંગણી કરીને આરોપીઓને કોર્ટમાં જ માર્યા હતા. વકીલોએ આરોપીઓના કપડા પણ ફાડી નાખ્યા છે. જોકે પોલીસે વચ્ચે પડીને તેમને બચાવ્યા અને કોર્ટ રૂમમાં લઈ ગયા હતા.
કોર્ટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને હત્યારાઓના 12 જુલાઈ સુધી 10 દિવસના રિમાન્ડ આપ્યા છે. તાલિબાની હત્યાકાંડના મુખ્ય આરોપી ગૌસ મોહમ્મદ અને રિયાઝ જબ્બારને કડક સુરક્ષા વચ્ચે અજમેરથી જયપુર લઈ જવામાં આવ્યા છે. બંને અહીં હાઈ સિક્યુરિટી જેલમાં બંધ છે. બે અન્ય આરોપી મોહસિન અને આસિફ છે. આ બંને ટેલર કનૈયાના મર્ડરના કાવતરામાં સામેલ હોવાનું જણાવવામાં આવ્યું છે.
રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયા લાલ હત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું હતુ કે હત્યાના આરોપી રિયાઝ અને ગૌસ મોહમ્મદનું પાકિસ્તાનના હેન્ડલરો બ્રેઈનવોશ કરી રહ્યા હતા. તેઓ ભારતમાં મોટી ઘટનાને અંજામ આપવા માટે સતત ઉશ્કેરી રહ્યા હતા. આટલું જ નહીં, નુપુર શર્માના નિવેદન બાદ પાકિસ્તાની હેન્ડલરોએ રિયાઝ અને ગૌસને ભારતમાં એવા બ્લાસ્ટ કરવા કહ્યું હતુ કે આખો દેશ હચમચી જાય.
ગુપ્તચર વિભાગના સૂત્રોનું કહેવું છે કે બંને આરોપીઓ જ્યારે પણ પાકિસ્તાની હેન્ડલર સાથે વાત કરતા ત્યારે તે ઈસ્લામ માટે તેમને કંઈક મોટું કરવા માટે ઉશ્કેર્યા કરતો હતો. આ બંને આરોપીઓ બોમ્બ બ્લાસ્ટ માટે આરડીએક્સ મેળવવા માટે તપાસ કરતા હતા. જો કે, હવે NIA આ કેસની તપાસ કરશે, ત્યાર બાદ જ આખો મામલો બહાર આવશે.
બીજી તરફ, શનિવારે પાંચમાં દિવસે વહીવટીતંત્રે ઉદયપુરમાં 4 કલાક માટે કર્ફ્યુમાં છૂટ આપવાની જાહેરાત કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ તારાચંદ મીણાના આદેશ મુજબ બપોરે 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી છૂટછાટ આપવામાં આવશે. આવી સ્થિતિમાં લોકો પોતાની રોજીંદી જરૂરિયાતો લેવા માટે બહાર જઈ શકશે.