• લગ્નની ખુશીઓ માતમમાં બદલાઈ ગઈ
• રાજસ્થાનના બાડમેરમાં ગમખ્વાર અકસ્માત
• એક જ પરિવારના આઠ લોકોનાં મોત
રાજયમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. રાજયમાં રોજે કોઈને કોઈ જગ્યાએ અકસ્માત થવાની ઘટના સામે આવી રહી છે. જેમાં લોકોના મોત થવના અહેવાલો છે. ત્યારે અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. વધુ એક વખત રાજસ્થાનના બાડમેર લગ્નની ખુશીઓ બાદ મોતનું મૌન ફેલાઈ ગયું છે. બાડમેરમાં કાળજું કંપાવતી એક ઘટના સામે આવી છે. સોમવારે થોડા સમય પહેલા સુધી ઉજવણી કરી રહેલો પરિવાર મૃતદેહોમાં ફેરવાઈ ગયો હતો.
સોમવારે મોડી રાત્રે ગુધામલાની વિસ્તારના મેગા હાઇવે પર આવેલા બીટા ગામની બહાર બન્યો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના આઠ લોકોના મોત થયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં બે બાળકોના પણ મોત થયા છે. જીપ અને ટ્રેલર વચ્ચે ટક્કર થતાં આ અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં ટ્રેલરના ડ્રાઈવર અને હેલ્પરને ઈજા થઈ છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ટક્કર એટલી ઝડપી હતી કે ટ્રેલર જીપ સાથે અથડાતાની સાથે જ પલટી ગયું. જીપનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જીપ એટલી હદે નીચે પડી કે મૃતદેહો અંદર ફસાઈ ગયા. મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે. પ્રાથમિક તપાસના આધારે પોલીસે જણાવ્યું કે મૃતકોમાં પૂનારામ, પ્રકાશ, મનીષ, પ્રિન્સ, ભગીરથ, નૈનારામ, બુધરામ સહિત આઠ લોકોનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે તેમાંથી છના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બેનું હોસ્પિટલમાં મોત થયું હતું.
આ અકસ્માત મેગા હાઈવે પર રાત્રે લગભગ એક વાગ્યે બન્યો હતો. જીપમાં એક જ પરિવારના આઠ લોકો સવાર હતા. જેમાં ડ્રાઈવર પણ હતો. તમામ લોકો જાલોરના સાંચોરમાં સ્થિત સેવડી ગામના રહેવાસી હોવાનું કહેવાય છે અને બાડમેરના ગુધામલાનીમાં પરિવારના સભ્યના લગ્નમાં હાજરી આપવા આવ્યા હતા. લગ્નમાં હાજરી આપ્યા બાદ તેઓ મેગા હાઈવે પરથી પરત પોતાના ગામ સાંચોર જઈ રહ્યા હતા. આ દરમિયાન બીટા ગામની સીમમાં સામેથી આવી રહેલી જીપ અને ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.