ગોવાથી હૈદરાબાદ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બુધવારે રાત્રે અચાનક ધુમાડાના ગોટેગોટા ફાઈ વળ્યાં હતા, જેને લઈને યાત્રીઓમાં ગભરાટ ફેલાયો હતો. જે બાદ સ્પાઈસ જેટના વિમાનને હૈદરાબાદ એરપોર્ટ પર ઈમરજન્સીમાં ઉતારવામાં આવ્યું હતું. કેબિનમાં ભરાયેલા ધુમાડાને કારણે પ્લેનની અંદરનો નજારો એટલો ભયાનક હતો કે લોકો ડરી ગયા હતા. જેથી ક્રૂ મેમ્બરોએ પ્લેનના મુસાફરોને પ્રાર્થના કરવાની સલાહ પણ આપી હતી.
ત્યારે હવે DGCA એટલે કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યું છે. હજી સુધી સ્પાઈસજેટે ધુમાડાનું કારણ જાહેર નથી કર્યું, પરંતુ એરલાઈને જણાવ્યું છે કે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ડીજીસીએના અધિકારીના જણાવ્યા અનુસાર, વિમાન એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યા બાદ મુસાફરોને ઈમરજન્સી એક્ઝિટ ગેટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને આ દરમિયાન એક મુસાફરને પગમાં સામાન્ય ઈજા થઈ હતી.
હૈદરાબાદ એરપોર્ટના અધિકારીના જણાવ્યા અનુસાર, Q400 VT-SQB ફ્લાઈટમાં લગભગ 86 મુસાફરો હતા. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, પ્લેનમાં સવાર મુસાફરોએ પ્લેનની અંદરના ભયાનક દ્રશ્યને યાદ કરતા કહ્યું કે તેઓ ખૂબ જ ડરી ગયા હતા. હૈદરાબાદના આઇટી પ્રોફેશનલ શ્રીકાંત એમએ કહ્યું કે, ક્રૂ મેમ્બર્સે અમને ભગવાનને પ્રાર્થના કરવાનું કહ્યું.
તે ખૂબ પીડાદાયક હતું. મારી સાથે મુસાફરી કરી રહેલા ઘણા મુસાફરો ગભરાઈ ગયા હતા અને ચીસો પાડવા લાગ્યા હતા. તે પોતાના મિત્રો સાથે તેની પ્રથમ હવાઈ મુસાફરી કરી રહ્યા હતા. અન્ય એક મુસાફરે કહ્યું કે વોશરૂમમાં કંઈક થયું હતું. અમે ક્રૂ મેમ્બર્સને શાંત અવાજમાં વાત કરતા સાંભળ્યા. જેની 20 મિનિટ બાદ અમારી ચારે બાજુ ધુમાડો ફેલાઈ ગયો હતો. જો કે, તે પછી તરત જ લાઇટ આવી અને ક્રૂ મેમ્બરોએ અમને એકબીજા સાથે વાતો કરવાની મનાઈ ફરમાવીને અમને સીટ પર જ બેસી રહેવા જણાવ્યું હતું.
અન્ય એક મુસાફરે જણાવ્યું કે પ્લેન લેન્ડ થતાંની સાથે જ ઈમરજન્સી એક્ઝિટ ખુલી ગયો, અમને ક્રૂ દ્વારા કૂદીને દોડવા માટે કહેવામાં આવ્યું હતું. કેટલાક લોકોએ આ ઘટનાનો વિડીયો પણ બનાવ્યો હતો, પરંતુ ક્રૂએ તેને ડિલીટ કરી દીધો હતો.
એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યા અનુસાર, આ એરક્રાફ્ટના ઈમરજન્સી લેન્ડિંગને કારણે બુધવારે નવ ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી હતી. આ ઘટના રાત્રે 11 વાગ્યાની આસપાસ બની હતી.
તો એરલાઇનના પ્રવક્તાએ કહ્યું, ’12 ઓક્ટોબરના રોજ ગોવાથી હૈદરાબાદ જતા સ્પાઇસજેટનું Q400 વિમાન તેના ગંતવ્ય સ્થાન પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું. લેન્ડિંગ વખતે પ્લેનના કેબિનમાં ધુમાડો જોવા મળ્યો હતો. લેન્ડિંગ બાદ મુસાફરોને વિમાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.’