Income Tax Notice : ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીને આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી છે. નોટિસ અનુસાર, પાર્ટીને છેલ્લા કેટલાક વર્ષોમાં આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે જૂના પાન કાર્ડનો ઉપયોગ કરવા બદલ રૂ. 11 કરોડની ચૂકવણી કરવાનું કહેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આવકવેરા વિભાગને ચૂકવવાના બાકી લેણાંમાં દંડ અને વ્યાજનો સમાવેશ થાય છે. પાર્ટી દ્વારા જૂના પાન કાર્ડના ઉપયોગમાં વિસંગતતાઓને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે.
આવકવેરા વિભાગની નોટિસને પડકારવા માટે ડાબેરી પક્ષ પોતાના વકીલો સાથે વાતચીત કરી રહી છે. પક્ષે કહ્યું, “અમે આ મામલે કાયદાકીય મદદ માંગી રહ્યા છીએ અને અમારા વકીલોના સંપર્કમાં છીએ.” અગાઉ, આવકવેરા વિભાગ દ્વારા કોંગ્રેસને નોટિસ મોકલવામાં આવી હતી, જેમાં તેને રૂ. 1,823 કરોડની બાકી રકમ ચૂકવવા માટે કહેવામાં આવ્યું છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા સાકેત ગોખેલે જણાવ્યું હતું કે તેમને છેલ્લા 72 કલાકમાં આવકવેરા વિભાગ તરફથી 11 નોટિસો મળી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભાજપ લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓને પંગુ પાડવાનો પ્રયાસ કરી રહી છે.