સંસદના બજેટ સત્રના અંતિમ દિવસે (10 ફેબ્રુઆરી) સરકાર રામ મંદિર પર પ્રસ્તાવ લાવશે. આ પ્રસ્તાવ લોકસભા અને રાજ્યસભા બંને ગૃહમાં લાવવામાં આવશે. સૂત્રોને ટાંકીને આ માહિતી સામે આવી છે.
પ્રસ્તાવ કોણ રજૂ કરશે?
સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું કે સરકાર આવતીકાલે બંને ગૃહોમાં રામ મંદિર પર પ્રસ્તાવ લાવશે. આ પ્રસ્તાવ લોકસભામાં નિયમ 193 હેઠળ લાવવામાં આવશે જે ભાજપના સાંસદો સત્યપાલ સિંહ, પ્રતાપ ચંદ્ર સારંગી અને સંતોષ પાંડે રજૂ કરશે, જ્યારે રાજ્યસભામાં આ પ્રસ્તાવને નિયમ 176 હેઠળ લાવવામાં આવશે અને ભાજપના સાંસદ કે. . લક્ષ્મણ, સુધાંશુ ત્રિવેદી અને રાકેશ સિન્હા દ્વારા રજૂ કરવામાં આવશે.
ભાજપે તેના સભ્યોને વ્હીપ જારી કર્યો છે
ભાજપે શુક્રવારે તેના લોકસભા અને રાજ્યસભાના સભ્યો માટે વ્હીપ જારી કર્યો હતો. તમામ સાંસદોને વ્હીપ જારી કરવામાં આવ્યો છે અને તેમને શનિવારે સંસદમાં હાજર રહેવા કહેવામાં આવ્યું છે, કારણ કે બંને ગૃહમાં કેટલાક મહત્વપૂર્ણ કાયદાકીય કામો પર ચર્ચા થવાની છે. બાદમાં લોકસભાના બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે શનિવારે નીચલા ગૃહમાં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પર ચર્ચા કરવામાં આવશે.
ગૃહ કેટલો સમય ચાલશે?
શિવસેનાના સભ્ય શ્રીકાંત શિંદેએ પણ આ મુદ્દે ચર્ચા માટે નોટિસ આપી છે. 17મી લોકસભાનું છેલ્લું સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થયું હતું અને શનિવારે સમાપ્ત થશે. આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાવાની સંભાવના છે.