કતારમાં મૃત્યુદંડની સજા પામેલા આઠ ભારતીયોમાંથી એકના સંબંધીએ કહ્યું છે કે ભારત સરકારે આઠ ભૂતપૂર્વ નૌકાદળ અધિકારીઓને પરત લાવવાના પ્રયાસો વધુ તેજ કરવા જોઈએ. આઠ ભૂતપૂર્વ નૌકાદળ અધિકારીઓમાંના એક કમાન્ડર સુગુણાકર પાકલાની પત્નીના ભાઈ સી. કલ્યાણ ચક્રવર્તી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરને તેમની મુક્તિ સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી. વિઝાગ પ્રેસ ક્લબ ખાતે પત્રકારો સાથે વાત કરતા ચક્રવર્તીએ કહ્યું, ‘આ તમામ વ્યક્તિઓની ઉંમર 50 વર્ષથી વધુ છે અને તેઓ આજીવિકા મેળવવા દોહા ગયા હતા. તેઓ શા માટે જાસૂસી કરશે અને તેઓને શું ફાયદો થશે? તેથી હું ભારત સરકારને વિનંતી કરું છું કે મારા સાળા (પાકાલા) અને અન્ય લોકોને ભારત લાવવામાં આવે.
તેમણે કહ્યું કે તેઓ 14 મહિના જેલમાં વિતાવી ચૂક્યા છે, તેમને પાછા લાવવામાં કેટલો સમય લાગશે.ચક્રવર્તીના જણાવ્યા અનુસાર, પાયાવિહોણા આરોપોના આધારે આ આઠ લોકોને કતારના અધિકારીઓએ મધ્યરાત્રિએ ઝડપી લીધા હતા. તેઓને તેની મૈત્રીપૂર્ણ વાતચીત, ફોન કોલ્સ અને ભારતીય સૈન્ય અધિકારીઓ સાથેની વાતચીત પર શંકા હતી. તેમણે આરોપ લગાવ્યો કે આ બધા પાછળ ભારત અને કતારના દુશ્મન દેશોનો હાથ છે. ચક્રવર્તીએ કહ્યું કે, વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું કહેવું છે કે ન તો મંત્રાલયને આ લોકો પરના કોઈ આરોપો વિશે જાણ કરવામાં આવી હતી અને ન તો કતરે તેમની કથિત જાસૂસીના કોઈ પુરાવા રજૂ કર્યા હતા.
નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓ ઈઝરાયેલ માટે જાસૂસી કરી રહ્યા હોવાના અહેવાલો સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે ભૂતપૂર્વ અધિકારીઓના પરિવારોને કેમ અંધારામાં રાખવામાં આવી રહ્યા છે અને કેસ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે. તેમણે ભારત પાસેથી ઝડપી અને કડક કાર્યવાહીની માંગ કરી હતી. ચક્રવર્તીએ યાદ અપાવ્યું કે જયશંકરે 8 ડિસેમ્બર, 2022ના રોજ સંસદમાં કહ્યું હતું કે આઠ લોકોને પાછા લાવવામાં આવશે.