નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, નાણાકીય વર્ષ 2022-23 માટે ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 8.36 લાખ કરોડ રૂપિયા થયું છે. મંત્રાલયે કહ્યું કે 2022-23 માટે અત્યાર સુધીનું કુલ કલેક્શન (રિફંડ માટે એડજસ્ટ કરતા પહેલા) 8,36,225 કરોડ રૂપિયા છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ગાળામાં 6,42,287 કરોડ રૂપિયાની તુલનામાં 30 ટકા વધારે છે.
નાણાં મંત્રાલયના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, 8.36 લાખ કરોડ રૂપિયાના ગ્રોસ કલેક્શનમાંથી 4.36 લાખ કરોડ રૂપિયા કોર્પોરેટ ઇન્કમ ટેક્સ અને 3.98 લાખ કરોડ રૂપિયા પર્સનલ ઇન્કમ ટેક્સ (પીઆઇટી)માંથી આવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષમાં 17 સપ્ટેમ્બર સુધીમાં પ્રત્યક્ષ કરવેરાની ચોખ્ખી વસૂલાત રૂ.7.01 લાખ કરોડ રહી હતી , જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીએ 23 ટકાનો વધારો દર્શાવે છે. રિફંડ માટે એડજસ્ટ કર્યા બાદ નેટ ટેક્સ કલેક્શન 23 ટકા વધીને 7,00,669 કરોડ રૂપિયા થયું છે. નાણાં મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ 2022-23માં 17 સપ્ટેમ્બર સુધીમાં કુલ એડવાન્સ ટેક્સ કલેક્શન 2.95 લાખ કરોડ રૂપિયા હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 17 ટકા વધારે છે.
17 સપ્ટેમ્બર સુધીમાં 1.35 લાખ કરોડનું રિફંડ જારી કરવામાં આવ્યું છે જે ગયા વર્ષની સરખામણીએ 83 ટકા વધારે છે. શનિવાર સુધી આવકવેરા રિટર્ન (આઇટીઆર) પર ઝડપથી પ્રક્રિયા કરવામાં આવી હતી, જેમાં આશરે 93 ટકા યોગ્ય રીતે ચકાસાયેલા આઇટીઆર હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રિફંડ ઝડપથી શરૂ કરવામાં આવ્યું હતું, જેના પગલે 2022-23 માં જારી કરાયેલા રિફંડની સંખ્યામાં લગભગ 468 ટકાનો વધારો થયો હતો.