સ્વર્ગસ્થ CDS બિપિન રાવતની યાદમાં, તેમના અનુગામી જનરલ અનિલ ચૌહાણ આજે વેલિંગ્ટનમાં ડિફેન્સ સ્ટાફ કોલેજની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ ત્યાં ભાષણ પણ આપશે. જનરલ ચૌહાણની આ મુલાકાત CDS બિપિન રાવતના નિધન બાદ થઈ રહી છે.
તમને જણાવી દઈએ કે, 8 ડિસેમ્બર 2021ના રોજ જનરલ રાવત ભાષણ આપવા વેલિંગ્ટન જઈ રહ્યા હતા. આ દરમિયાન હેલિકોપ્ટર અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું. આ દુર્ઘટનામાં તેમની પત્ની મધુલિકા રાવત અને અન્ય 12 સેનાના જવાનોએ પણ જીવ ગુમાવ્યો હતો.
અનિલ ચૌહાણ ઓક્ટોબરમાં સીડીએસ બન્યા હતા
સંરક્ષણ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, CDS જનરલ અનિલ ચૌહાણ આજે જ વેલિંગ્ટનમાં DSSCની મુલાકાત લેવાના છે. વર્તમાન સીડીએસે જનરલ રાવત સાથે ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ અને પછી પૂર્વી આર્મી કમાન્ડર તરીકે સેવા આપી છે.તેઓ આ વર્ષે ઓક્ટોબરમાં જનરલ રાવતના સ્થાને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બન્યા હતા.
મૃત સૈનિકોના પરિવારજનો સાથે મુલાકાત કરશે
CDS અનિલ ચૌહાણ 8 ડિસેમ્બરે હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ સૈનિકોના પરિવારો સાથે વેલિંગ્ટનની મુલાકાત લેશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. ભારતીય નૌકાદળના જણાવ્યા અનુસાર, દિવંગત સીડીએસ બિપિન રાવતના નામે શ્રેષ્ઠ અગ્નિવીર તાલીમાર્થીને ટ્રોફી આપવામાં આવશે. જનરલ ચૌહાણ આજે આની જાહેરાત કરશે. ભારતીય સેના 10 ડિસેમ્બરે સ્વર્ગસ્થ CDS માટે એક સ્મારક વ્યાખ્યાનનું પણ આયોજન કરી રહી છે.