- ભારત રત્ન લતાદીદીની દુનિયાથી વિદાય
- PM મોદી લતા મંગેશકરની અંતિમ વિદાયમાં જોડાયા
- 29 દિવસ સુધી લતાદીદી કોરોના અને ન્યૂમોનિયા સામે લડ્યા
6 ફેબ્રુઆરી, 2022ને રવિવારે સવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલ ખાતે સ્વર કોકિલા ભારત રત્ન લતા મંગેશકરે અંતિમ શ્વાસ લીધા. ત્યારબાદ તેમનો પાર્થિવ દેહ લગભગ 1-10 વાગ્યે બ્રીચ કેન્ડી હોસ્પિટલથી તેમના પેડર રોડ સ્થિત નિવાસસ્થાન ‘પ્રભુકુંજ’ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં અમિતાભ બચ્ચન, જાવેદ અખ્તર સહિતની હસ્તીઓએ લતાદીદીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. હવે સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે ત્રિરંગામાં લપેટીને લતા મંગેશકરના પાર્થિવ દેહ શિવાજી પાર્ક ખાતે અંતિમ દર્શનાર્થે મુકાયો છે. થોડી વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લતાદીદીની અંત્યેષ્ટિમાં હાજરી આપવા પહોંચી રહ્યા છે. લતાજીના અંતિમ સંસ્કાર શિવાજી પાર્ક ખાતે સાંજે 6-30 વાગ્યે કરવામાં આવશે. જ્યાં લતા મંગેશકરના ભાઈ હૃદયનાથ મંગેશકરનો પુત્ર આદિત્ય લતાદીદીને મુખાગ્નિ આપશે. શિવાજી પાર્ક ખાતે સચિન તેંડુલકર, શાહરુખ ખાન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, મનસેના પ્રમુખ રાજ ઠાકરે, NCPના પ્રમુખ શરદ ઠાકર, કેન્દ્રિય મંત્રી પીયૂષ ગોયલ સહિતની હસ્તીઓ મોજુદ છે.
લતા મંગેશકરના વિશાળ પોસ્ટર સાથે ફૂલોથી શણગારેલા ટ્રકમાં તેમનો પાર્થિવ દેહ અંતિમ સફરે નીકળ્યો હતો. તેમની આ આખરી સફરમાં સામેલ થવા હજારો લોકો અશ્રુભીની આંખે ‘લતા દીદી અમર રહે’ના નારા સાથે ચાલ્યા હતા. લોકોએ પોતાનાં ઘરનું સ્વજન ગુમાવ્યું હોય એવી ભાવના સાથે શબવાહિનીના ટ્રક સાથે સાથે કદમ મિલાવ્યા હતા.
લતાદીદીના અવસાનના શોકમાં ભારત સરકારે બે દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. આ બે દિવસ દરમિયાન રાષ્ટ્રધ્વજ અડધી કાઠીને ઝૂકેલો રહેશે અને તમામ સરકારી કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. 8 જાન્યુઆરીએ 92 વર્ષીય લતાજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેઓ દાખલ થયાના સમાચાર પણ બે દિવસ પછી 10 જાન્યુઆરીએ સામે આવ્યા હતા. તેઓ 29 દિવસ સુધી કોરોના અને ન્યુમોનિયા બંને સામે એકસાથે લડી રહ્યા હતા.
લતાજીને સંગીતની દુનિયામાં 80 વર્ષ થઈ ચૂક્યાં છે. આ દરમિયાન તેમણે 30 હજારથી વધુ ગીતો ગાયાં છે. 2001માં ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કર્યાં હતાં. 1989માં તેમને દાદા સાહેબ ફાળકે અવોર્ડથી નવાજમાં આવ્યાં હતાં.