કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે સુરત ગતિશીલતા, નવીનતા અને જીવંતતાનો પર્યાય છે.
આ નિર્ણયથી કનેક્ટિવિટી અને કોમર્સને વેગ મળશે. તેમજ વિશ્વને સુરતની અદ્ભુત આતિથ્ય, ખાસ કરીને ભોજનનો સ્વાદ માણવાનો મોકો મળશે. એક સરકારી નિવેદન અનુસાર, વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ઉપરોક્ત પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.
આ વ્યૂહાત્મક પગલું અભૂતપૂર્વ આર્થિક તકો ખોલશે, આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન ક્ષેત્રમાં સુરતને એક મુખ્ય ખેલાડી તરીકે સ્થાન આપશે અને પ્રદેશ માટે સમૃદ્ધિના નવા યુગની શરૂઆત કરશે. આ હીરા અને કાપડ ઉદ્યોગો માટે અવિરત આયાત-નિકાસ સુવિધાઓ પણ સુનિશ્ચિત કરશે. નિવેદન અનુસાર, કેબિનેટે તાન્ઝાનિયા અને સાઉદી અરેબિયા સાથે બે અલગ-અલગ ટેકનિકલ સહયોગ કરારને પણ મંજૂરી આપી છે.
તાંઝાનિયા સાથેનો કરાર ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર છે. જ્યારે સાઉદી અરેબિયા સાથે ડિજિટાઈઝેશન અને ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સંબંધિત કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સાથે, કેબિનેટે ઇનોવેશન ઇકોસિસ્ટમને વધારવા સંબંધિત અમેરિકા સાથે હસ્તાક્ષર કરાયેલ એમઓયુને પણ મંજૂરી આપી.